Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

કોરોના સામે લડાઈ: ભારતની ત્રણમાંથી એક રસીનું એક-બે દિવસમાં ત્રીજા તબક્કાની ટ્રાયલમાં પહોંચશે

ઓક્સફર્ડની રસી પણ આ સપ્તાહમાં જ ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોંચશે

નવી દિલ્હી: દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે કોરોનાની ત્રણ રસી પર કામ ચાલુ છે, જેમાંથી એક રસી આજે અથવા કાલે ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોંચશે. જોકે, રસી ક્યારે બનીને તૈયાર થઈ જશે તેની કોઇ માહિતી નથી આપી. સ્વાસ્થ્ય મંત્રાલયે એ પણ જણાવ્યું કે ઓક્સફર્ડની રસી પણ આ સપ્તાહમાં ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોંચશે.

કોરોના રસીને લઇને નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યું કે,દેશમાં કોરોનાની ત્રણ રસી પર કામ ચાલુ છે. તે જુદા-જુદા તબક્કામાં છે. તેમાંથી એક રસી આજે અથવા કાલે ટ્રાયલના ત્રીજા તબક્કામાં જશે. અન્ય બે રસી તબક્કા 1 અને તબક્કા 2માં છે. અમે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે. રસીની સપ્લાય ચેન પણ શરૂ થશે.

ડો. વીકે પોલે વધુમાં જણાવ્યું છે કે,પીએમ મોદી સ્વસ્તંત્રતા દિવસ પર દેશને વિશ્વાસ અપાવ્યુ હતુ. તેમણે કહ્યું હતુ કે ભારતમાં 3 રસી વિકસિત થઈ રહી છે અને તે જુદા-જુદા ચરણોમાં છે.

ડો. વીકે પોલે ઉમેર્યું કે તબક્કા-3નો સમયગાળો લાંબો હોય છે. રસી ક્યા સુધી આવશે, તેના પર કંઇ કહેવું યોગ્ય નથી. પહેલા તબક્કા અને બીજા તબક્કામાં જેટલું સમય લાગે છે તેનાથી વધુ સમય તબક્કા 3માં લાગી શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે,“દેશમાં કોરોનાના અત્યાર સુધી 3 કરોડથી વધુ ટેસ્ટ થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 9 લાખ ટેસ્ટ થયા છે. મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધી 19 લાખ દર્દી સારવાર પછી સાજા થઈ ચુક્યા છે. જ્યારે મૃત્યુદર 2 ટકાથી ઓછો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના રાજેશ ભૂષણે જણાવ્યું કે,સરેરાશ દરરોજ 55 હજારથી વધુ દર્દીઓ સાજા થઈ રહ્યા છે. પ્રતિદિવસ પોઝિટિવિટી રેટ 10 ટકાથી ઘટી 7.72 ટકા પર પહોંચ્યું છે. જ્યારે સાપ્તાહિક મૃત્યુદર 1.94 ટકા છે. અમારુ લક્ષ્ય મૃત્યુદરને 1 ટકાથી ઓછું કરવાનું છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ્યા અમે રોજના 2 લાખ ટેસ્ટ કરતા હતા તે હવે વધી 8 લાખ ટેસ્ટ પ્રતિદિવસ થઈ ગયું છે.

નોંધનીય છે કે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધી 27,02,000 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 51,979 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે.

(9:43 pm IST)