Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

મધ્યપ્રદેશમાં બીજા રાજ્યોના લોકોને સરકારી નોકરી નહીં

શિવરાજ સરકારનું પેટાચૂંટણી પહેલા નોકરીનું વચન : કાયદો આવશે તો મધ્યપ્રદેશ સરકારની તમામ નોકરીઓ હવે એમપી ડોમિસાઇલ ધરાવતા લોકો માટે અનામત હશે

ભોપાલ, તા. ૧૮ : મધ્યપ્રદેશમાં હવેથી તમામ સરકારી નોકરીઓ સ્થાનિક એટલે કે મધ્યપ્રદેશના લોકોને મળશે. દેશના બીજાં રાજ્યોમાંથી આવનારા લોકોને મધ્યપ્રદેશમાં સરકારી નોકરી મળે તે મતલબનો કાયદો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ બદલી રહ્યા છે. કાયદો આવશે તો મધ્યપ્રદેશ સરકારની તમામ નોકરીઓ હવે એમપી ડોમિસાઇલ ધરાવતા લોકો માટે અનામત રહેશે. શિવરાજસિંહે જાહેરાત કરતાં કહ્યું કે માટે જરૂરી કાયદાકીય બદલાવ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. અગાઉ કમલનાથ સરકારે સ્થાનિક લોકોને ઉદ્યોગોમાં ૭૦ ટકા રોજગાર આપવાનું ફરજિયાત બનાવ્યું હતું. કમલનાથ સરકારના નિર્ણય મુજબ રાજ્યમાં સ્થપાયેલા ઉદ્યોગોમાં ૭૦ ટકા સ્થાનિક એટલે કે મધ્યપ્રદેશના વતની હોવું ફરજિયાત કરવામાં આવ્યું હતું.

           આ અંતર્ગત, ઉદ્યોગકારો સરકારી યોજનાઓ, કર મુક્તિનો લાભ ત્યારે મેળવી શકશે જ્યારે તેઓ મધ્યપ્રદેશના લોકોને રોજગારનો ૭૦ ટકા ભાગ પૂરો પાડશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની ૨૭ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાવાની છે, ઉલ્લેખનીય છે કે વિધાનસભાની પેટા-ચૂંટણી પહેલા સીએમ શિવરાજસિંહ ચૌહાણ ઘણી લોકપ્રિય જાહેરાતો કરી રહ્યા છે. અગાઉ સીએમ શિવરાજે જાહેરાત કરી હતી કે અમે આદિવાસીઓને શાહુકારોના ચુંગાલથી બચાવવા માટે નવો કાયદો લાવી રહ્યા છીએ.

વીડિયો સંદેશમાં સીએમ ચૌહાણે કહ્યું કે આજે મધ્યપ્રદેશની સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશ સરકારની નોકરી માત્ર મધ્યપ્રદેશના બાળકોને આપવામાં આવશે. માટે કાનૂની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોને સરકારી નોકરી માટે તક આપવાની માંગ સમયે-સમયે ઉભી થઈ છે. ઘણી ચૂંટણીઓમાં તેને મુદ્દો પણ બનાવવામાં આવ્યો છે. જોકે, કાયદાકીય પ્રક્રિયા કેટલા સમય સુધી પૂર્ણ થશે તે અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

(10:32 pm IST)