Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ભારતને ભીંસમાં લેવા ચીને બાંગ્લાદેશને બગલમાં લીધું

ચાલાક ચીનની ભારત સામે વધુ એક અવરચંડાઈ : બાંગ્લાદેશને નદીઓની યોજનાઓ માટે ચીન પ્રથમ વખત આગળ આવ્યું : ચીન એક અબજ ડોલરની લોન આપશે

ઢાકા, તા. ૧૮ : ભારતને ભીંસમાં લેવાના એકમુદ્દાના કાર્યક્રમમાં આગળ વધી રહેલા ચીને હવે બાંગ્લાદેશને પોતાની બગલમાં લઈ લીધું છે. બાંગ્લાદેશના મીડિયામાં આવેલા રિપોર્ટ મુજબ ચીન બાંગ્લાદેશને તેની નદીઓ પર  વિવિધ યોજનાઓને સાકાર કરવા એક અબજ અમેરિકી ડૉલર્સની લોન આપશે. ભારત માટે વાત એટલા માટે ચિંતાજનક ગણાય કેમકે, ભારતના અથાક પ્રયાસો છતાં બાંગ્લા દેશની નદીઓના જળની વહેંચણી બાબત ભારત સાથે બાંગ્લા દેશે હજુ કોઇ પ્રકારની સમજૂતી કરી નથી. એક સમયે બાંગ્લાદેશ અને પાકિસ્તાન પણ ભારતનો આંતરિક હિસ્સો હતા. કેટલીક નદીઓ અને પ્રદેશો ભારત પાકિસ્તાન અને બાંગ્લા દેશ વચ્ચે સહિયારા છે એટલે નદીઓનાં જળ વિતરણ અને વહેંચણીમાં સહકાર થાય જરૂરી ગણાય.

બાંગ્લાદેશના જળ સંસાધન મંત્ર્યાલય હેઠળના જલ વિકાસ બોર્ડના ચીફ એન્જિનિયર જ્યોતિ પ્રસાદ ઘોષે સોમવારે બેનાર ન્યૂઝ સાથે વાતચીત કરતાં કહ્યું કે તીસ્તા નદી પરના બંધની યોજના માટે ચીને સહાય કરવાની હા પાડી હતી. વર્ષના ડિસેંબર માસથી યોજનાનો અમલ આપણે કરી શકીએ એવી અમને આશા છે. બેનાર ન્યૂઝના એક રિપોર્ટ મુજબ બાંગ્લા દેશના નાણાં મંત્ર્યાલયે વર્ષના મેમાં રંગપુર વિસ્તારમાં તીસ્તા નદી પર બંધ બાંધવા ૮૫૩ મિલિયન ડૉલર્સની મદદ માગી હતી. બાંગ્લા દેશની કોઇ નદી પર બંધ બાંધવાની યોજનામા ચીન પહેલીવાર જોડાઇ રહ્યું હતું અને માતબર રકમની લોન આપવા સંમત થયું હતું. અત્યાર અગાઉ ચીને ભારતની સરહદો સાથે જોડાયેલા મોટા ભાગના દેશોને વિવિધ લાલચો આપીને પોતાની પાંખમાં લીધા હતા. એમ કહો કે પોતાના ઓશિયાળા બનાવ્યા હતા. એવા દેશોમાં ગઇ કાલ સુધી પાકિસ્તાન અને નેપાળ મુખ્ય હતા. હવે બાંગ્લા દેશ પણ ચીનની જાળમાં ફસાયું હતું.

(10:40 pm IST)