Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

મહિલા માલિકનો રેપ અને હત્યા બાદ 'પોપટે' કોર્ટમાં આપી જુબાની : કર્યો ચોંકાવનારો ખુલાસો

આર્જેટેનિયનામાં રહેતી એક મહિલા સાથે રેપ બાદ હત્યા થઈ હતીઃ પોલીસ ઘટના સ્થળે તપાસ કરી રહી હતી ત્યારે પોપટને બોલતો સાંભળ્યો અને હવે તેને સાક્ષી તરીકે કોર્ટમાં રજૂ કર્યો છે

બ્યૂનસ આયર્સ,તા.૧૮: આર્જેટેનિયમાં રેપ અને હત્યા મામલે એક જોરદાર ઘટના સામે આવી છે. મહિલા માલિકનો રેપ અને બાદમાં હત્યા થતા પોપટને કોર્ટમાં સાક્ષી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ આરોપીઓને સજા થઈ શકે છે. ૪૬ વર્ષીય એલિઝાબેથ ટોલેડોની રેપ બાદ હત્યા કરી દેવામાં આવી હતી. જે સમયે આ ઘટના બની ત્યારે મહિલાનો પોપટ ત્યાં હાજર હતો. જે બાદ પોપટને મુખ્ય સાક્ષી તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

એક અંગ્રેજી વેબસાઈટના જણાવ્યા મુજબ, એલિઝાબેથ ટોલેડો બે લોકો સાથે એક ભાડાના મકાનમાં રહેતી હતી. પોલીસને એલિઝાબેથની લાશ તેના જ ઘરમાંથી મળી હતી. પોલીસને શંકા હતી કે મૃતક મહિલા સાથે રહેતા લોકોએ આ રેપ અને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હશે. જો કે, પોલીસે શંકાના આધારે તેઓની કડક પૂછપરછ કરી, પરંતુ કંઈ હાથે લાગ્યુ નહી. પણ પોપટની સાક્ષી આરોપીઓને સજા અપાવી શકે છે.

રેપ અને હત્યાની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે મહિલા માલિકના પોપટને પોલીસે બોલતા સાંભળ્યો હતો. એટલે પોલીસને લાગ્યું કે, આ પોપટ સાક્ષી તરીકે કામમાં આવી શકે છે અને આરોપીઓને સજા મળી શકે છે. પોલીસે કોર્ટમાં જણાવ્યું કે, પોપટ કંઈ બોલી રહ્યો હતો. જે કદાચ તેની મહિલા માલિકના છેલ્લાં શબ્દો હતા. પાડોશીએ પણ પોપટને બોલતા સાંભળ્યો હતો કે, નહીં, મહેરબાની કરીને મને જવા દો. તમે મને કેમ મારી. આ શબ્દો પોપટ બોલતો હતો અને પાડોશીએ સાંભળ્યા હતા.

પોપટના શબ્દો સાંભળીને પોલીસને લાગે છે કે રેપ અને હત્યા સમયે મહિલાએ આરોપીઓને આ શબ્દો કહ્યા હશે. જે બાદ પોલીસે તપાસ હાથ ધરીને બે આરોપીઓ વિરૂદ્ઘ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો પોપટની જુબાની સાચી પડી તો આરોપીઓને આજીવન કેદની સજા થઈ શકે છે. પોપટની જુબાની સિવાય પોલીસને મૃતકના ડીએનએ રિપોર્ટમાં પણ કેટલાંક પુરાવા મળ્યા છે. એલિઝાબેથનો રેપ અને હત્યાની ઘટના ૨૦૧૮ના છે. જો કે, હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને પોપટની સાક્ષીના પગલે આરોપીઓ જેલ ભેગા થઈ શકે છે.

(10:07 am IST)