Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં કોર્ટ પરિસરની અંદર જ વકિલની ગોળી મારીને હત્‍યાઃ હૂમલાખોરોને ઝડપી લેવા પોલીસની નાકાબંધી

પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી ગયોઃ મૃતદેહ પાસેથી 315 બોરનો તમંચો જપ્‍ત

શાહજહાંપુર: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં હત્યારાઓએ કોર્ટ પરિસરની અંદર વકીલની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. વકીલની લાશ કોર્ટના ત્રીજા માળ પર મળી છે. હત્યા બાદ કાતિલ ઘટનાસ્થળે દેસી બંદૂક ફેકીને જતા રહ્યા હતા. આ ઘટનાએ આખા જિલ્લામાં ચકચાર જગાવી છે. ઘટનાની જાણ થતા જ ભારે પોલીસ દળ સાથે ડીએમ-એસપી પણ ઘટનાસ્થળે પહોચ્યા હતા.

મળતી જાણકારી અનુસાર, શાહજહાંપુરના ઇદગાર મોહલ્લાના વકીલ ભૂપેન્દ્ર પ્રતાપ સિંહ (ઉંમર વર્ષ 36) બે વર્ષ પહેલા જ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. આ પહેલા તે ટીચિંગ કરતો હતો. સોમવારે ભૂપેન્દ્રસિંહની લાશ કોર્ટના ત્રીજા માળ પર મળી છે. કહેવામાં આવી રહ્યુ છે કે ભૂપેન્દ્ર ત્રીજા માળ પર રેકોર્ડ રૂમમાં કાગળ ચેક કરવા ગયા હતા. અહી વધુ લોકોની અવર જવર રહેતી નથી. બપોરે આશરે સવા 12 વાગ્યે હુમલાખોરોએ ભૂપેન્દ્ર પર તમંચાથી ગોળી મારી હતી અને ફરાર થઇ ગયા હતા, તેમણે પાછળથી ગોળી મારવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે ભૂપેન્દ્ર પર પણ 18 કેસ નોંધાયેલા છે. કોર્ટ પરિસરમાં ગોળી લાગતા ચકચાર મચી ગઇ હતી. તમામ વકીલ દોડીને ઘટનાસ્થળે પહોચ્યા હતા. ભૂપેન્દ્રસિંહ લોહીથી લથપથ ગેલેરીમાં પડ્યા હતા. શબની પાસે જ 315 બોરનો તમંચો પડ્યો હતો. પોલીસે તુરંત કચેરીના ગેટની નાકાબંધી કરીને ચેકિંગ કરાવી હતી પણ આરોપી મળ્યા નહતા. પોલીસે શબને કબજામાં લઇને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ડીએમ ઇંદ્ર વિક્રમ સિંહ અને એસપી એસ આનંદ પણ ઘટનાસ્થળે પહોચી ગયા હતા, તેમણે ઘટના વિશે જાણકારી મેળવી હતી. વકીલોની પૂછપરછ પણ કરી હતી. એસપીએ ઘટનાનો જલ્દી ખુલાસાનો દાવો કરતા કેટલીક ટીમની રચના કરી છે.

(5:32 pm IST)