Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

હવે વધુ મુદત આપી શકાય નહીં : સુપ્રીમ કોર્ટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ચૂંટણીને ગેરકાયદે ગણાવતી પિટિશન માટે વધુ મુદત આપવાનો કોર્ટનો ઇન્કાર : વારાણસીના ઉમેદવાર નિવૃત સૈનિકે પિટિશન દાખલ કર્યા પછી ત્રીજી વખત મુદત માંગતા સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી કેસ આગળ ચલાવ્યો : બંને પક્ષની સુનાવણી પૂર્ણ થયા પછી ચુકાદો અનામત રાખ્યો

ન્યુદિલ્હી : દેશમાં 2019 ની સાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં  વારાણસીથી  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ચૂંટાઈ આવ્યા હતા.પરંતુ આ ચૂંટણીને પડકારતી અરજી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર  નિવૃત સૈનિક તેજ બહાદુરે કરી હતી.

તેજ બહાદુરે કરેલી અરજીમાં જણાવ્યું હતું કે રિટર્નિંગ ઓફિસરે  તેનું ઉમેદવારી પત્રક રદ કર્યું હતું.જેના કારણમાં  ઉમેદવારને નોકરી દરમિયાન ભ્રષ્ટાચાર કે વફાદારીના અભાવને કારણે છુટા નથી કરાયા તેવું સર્ટિફિકેટ માગ્યું હતું. જેના જવાબમાં ઉમેદવારે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીનો વિજય આસાન બનાવી દેવા માટે  ઉપરોક્ત ખુલાસો માંગી મારુ ઉમેવારી પત્રક રદ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે 2017 ની સાલમાં  સૈનિકોની કેન્ટીનમાં અપાતું ભોજન નબળું હોવાની ફરિયાદ કરવા સબબ તથા તે અંગેનો વિડિઓ વાઇરલ કરવાના કારણે  ઉમેદવારને છુટા કરાયા હતા. તેવું સર્ટિફિકેટ ઉમેદવારી પત્ર સાથે જોડાયેલું હતું  જેમાં કોઈ ભ્રષ્ટાચાર કે બિનવફાદારીનો સમાવેશ નહોતો.તેમછતાં એવું સર્ટિફિકેટ રજૂ કરવા માટે સમય આપ્યા વિના બીજે દિવસે ઉમેદવારી રદ કરી દેવાઈ હતી.તેવી અરજદારની દલીલ હતી.

આથી ઉમેદવારે ચૂંટણી અમાન્ય રાખવા  મે 2019 માં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરતા  તે અલાહાબાદ  હાઇકોર્ટમાં ગયા હતા. જ્યાં ડિસેમ્બર 2019 માં તેમની અરજી રદ કરતા તેઓ ફેબ્રુઆરી 2020 માં સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.તથા  અરજી કર્યા બાદ બે વખત મુદત માંગી હતી.અને છેલ્લે ત્રીજી વખત મુદત માંગતા નામદાર કોર્ટએ વધુ મુદત આપવાનો ઇન્કાર કર્યો હતો.

કેસ આગળ ચાલતા નરેન્દ્ર મોદીના વકીલ  શ્રી હરીશ સાલ્વેએ દલીલ કરી હતી કે અરજદારે ઉમેદવારી પત્રક રદ કરાયા પછી મુદત માંગી નહોતી જે માટે તેઓ બે દિવસનો સમય માંગી શકતા હતા. તેથી તેમનો વાંધો માન્ય રાખી શકાય નહીં .

જેના અનુસંધાને નામદાર કોર્ટે અરજદારને પૂછ્યું હતું કે તમે વધુ મુદત માંગી હતી કે કેમ ? જેના જવાબમાં અરજદારના વકીલે   જણાવ્યું હતું કે 30 એપ્રિલના રોજ સર્ટિફિકેટ માગ્યાના બીજા જ દિવસે ઉમેદવારી પત્ર રદ કરી દેવાયું હતું અને સર્ટિફિકેટ આપવા માટેનો સમય અપાયો નહોતો  તેવું   ખુદ રિટર્નિંગ ઓફિસરના હાઇકોર્ટ સમક્ષના બયાનમાં છે.જે મુદત આપવાના ઇન્કાર સમાન જ છે.

પરંતુ નામદાર જજે ફરીથી તેમને પૂછ્યું હતું કે તમે મુદત માંગી હોય તેવો કોઈ આધાર છે ખરો ?

બાદમાં  નામદાર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:17 pm IST)