Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

મેવાલાલને બિહારના શિક્ષણમંત્રી બનાવાતા લાલુ યાદવ ભડક્યા : નીતીશકુમાર અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર

ડૉ. મેવાલાલ ચૌધરી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો: લાલુ યાદવે ભાજપ ઉપર મેવાલાલ મુદ્દે મૌન ધારણ કરવા અંગે સવાલો ઉભા કર્યા

પટનાઃ બિહારના નવા શિક્ષણ પ્રધાન ડૉ. મેવાલાલ ચૌધરી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોને લઇને ભારે હોબાળો થયો છે. આરજેડી અધ્યક્ષ લાલુ યાદવે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા જેડીયુના ધારાસભ્ય મેવાલાલની બિહારના શિક્ષણ પ્રધાન તરીકે નિમણૂકને લઈને નીતિશ કુમાર અને ભાજપ નેતૃત્વ પર જોરદાર પ્રહાર કર્યા છે

  ભાજપ પર પ્રહાર કરતા લાલુ યાદવે ટ્વિટ કર્યું હતું કે, તેજસ્વી યાદવ બિહારમાં 10 લાખ નોકરી આપવા માટે પ્રતિબદ્ધ હતો. નીતીશે કૌભાંડ કરનારા મેવાલાલને પ્રધાન બનાવીને તેની પ્રાથમિકતા બતાવી છે. જે ભાજપ ગઈકાલ સુધી મેવાલાલને ભ્રષ્ટ ગણાવી રહી હતી, તે આજે સત્તા મળવા પર ચૂપ છે. લાલુ યાદવના ટ્વિટનો જવાબ આપતા નેતા જીતનરામ માંઝીએ લખ્યું કે, હું પહેલીવાર જોઇ રહ્યો છું કે ભ્રષ્ટાચારના અનેક કેસનો સામનો કરી રહેલા અને જેના ઉપર કેટલાય છેતરપિંડીના અને ભ્રસ્ટાચારના કેસ ચાલી રહ્યા છે, તે કોઈ બીજા વિરૂદ્ધ ભ્રષ્ટાચારની ઝુંબેશ ચલાવી રહ્યા છે.

નીતીશ કુમારે તારાપુર પ્રદેશથી જીતીને આવેલા જેડીયુ નેતા મેવાલાલને બિહારના શિક્ષણ પ્રધાન બનાવ્યા છે, પરંતુ મેવાલાલની નિમણૂક અનેક સવાલો હેઠળ આવી છે. મેવાલાલ પર ભાગલપુરમાં કૃષિ યુનિવર્સિટીના વીસી હતા તે દરમિયાન સહાયક પ્રાધ્યાપકોની નિમણૂંકમાં ભ્રષ્ટ્રાચારના આક્ષેપો છે.

(1:03 am IST)