Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વરરાજાએ સસ્‍તું ઘરચોળું મોકલતા નારાજ દુલ્‍હને લગ્ન કરવાની ના પાડી દીધી

બંને પક્ષ પોલીસ સ્‍ટેશન પહોંચતા હંગામો વધી ગયો ખૂબ જ મુશ્‍કેલી બાદ બંને પક્ષ વચ્‍ચે સમજૂતી કરવામાં આવી લગ્ન કેન્‍સલ કરી દેવામાં આવ્‍યા

દેહરાદુન,તા. ૧૮ : ભારતમાં અલગ અલગ ધર્મ જાતિના લોકો રહે છે અને તમામ ધર્મની અલગ અલગ માન્‍યતા અને રિવાજ છે. લગ્ન દરમિયાન બંને પક્ષ તરફથી અનેક પ્રકારના રીત-રિવાજ નિભાવવામાં આવે છે. અનેક જગ્‍યાએ દુલ્‍હન માટે દુલ્‍હાના ઘરેથી ઘરચોળું આવે છે. આ પરિસ્‍થિતિમાં દુલ્‍હનની પસંદ અને નાપસંદનું ધ્‍યાન રાખવામાં આવે છે. ઘણીવાર લગ્ન પ્રસંગમાં કપડા અને દાગીના પસંદ આવતા નથી, પરંતુ શું આ પરિસ્‍થિતિમાં લગ્ન તોડી નાંખવા તે યોગ્‍ય છે? અહીં અમે તમને આવો જ એક પ્રકારનો કિસ્‍સો જણાવી રહ્યા છીએ.

લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે. મોટા પ્રમાણમાં પાનેતર અને શેરવાનીની ખરીદી થઈ રહી છે. ત્‍યારે ઉત્તરાખંડના હલ્‍દ્વાનીમાંથી એક અનોખો મામલો સામે આવ્‍યો છે. દુલ્‍હનને દુલ્‍હાએ મંગાવેલ ઘરચોળું પસંદ ન આવતાં તેણે લગ્ન કરવાની ના પાડી દીધી છે.

દુલ્‍હનને આ ઘરચોળું પસંદ ન આવતા તેણે લગ્ન માટે ના પાડી દીધી હતી. દુલ્‍હનને જયારે ખબર પડી કે, તેનું ઘરચોળું માત્ર ૧૦ હજારનું છે, તો તેણે આ વાતનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો હતો. આ સમગ્ર મામલો પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યો હતો, જયાં બંને પક્ષોની સમજૂતી કરાવ્‍યા બાદ પરત મોકલી દેવામાં આવ્‍યા હતા. વરરાજાના પક્ષ તરફથી કંકોત્રી પણ છપાવી દેવામાં આવી હતી.

બંને પક્ષ પોલીસ સ્‍ટેશન પહોંચતા હંગામો વધી ગયો હતો. ખૂબ જ મુશ્‍કેલી બાદ બંને પક્ષ વચ્‍ચે સમજૂતી કરવામાં આવી હતી અને ત્‍યારબાદ તેઓ પોતાના ઘરે ગયા હતા. આ મામલે પોલીસે જણાવ્‍યું કે, બંને પક્ષો વચ્‍ચે સમજૂતી કરી દેવામાં આવી છે અને લગ્ન કેન્‍સલ કરી દેવામાં આવ્‍યા છે. કન્‍યા પક્ષના લોકો હલ્‍દ્વાની નૈનીતાલના રહેવાસી છે અને વર પક્ષવાળા અલ્‍મોડાના રહેવાસી છે.

જૂન મહિનામાં તેમની સગાઈ થઈ હતી અને નવેમ્‍બર મહિનામાં લગ્ન થવાના હતા. બંને પરિવારના લોકો એકબીજા પર આરોપ લગાવતા હતા અને હંગામો વધી ગયો હતો. પોલીસ અને સ્‍થાનિકોએ સમજાવવાના પ્રયાસ કર્યા બાદ બંને પક્ષો વચ્‍ચે સમજૂતી કરવામાં આવી છે. જોકે, બંને પરિવારના લોકોએ એકબીજાની સહમતી બાદ લગ્ન કેન્‍સલ કરી દીધા છે.

(10:37 am IST)