Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પાર્ટીની કમાન યુવાનોને સોંપવામાં આવે તે માટે જમ્‍મુ-કાશ્‍મીરના પૂર્વ મુખ્‍યમંત્રી ડો. ફારૂક અબ્‍દુલ્લાનું નેશનલ કોન્‍ફરન્‍સના અધ્‍યક્ષપદેથી રાજીનામુ

હવે નવા અધ્‍યક્ષ માટે 5 ડિસેમ્‍બરે ચૂંટણી થશે

નવી દિલ્‍હીઃ યુવાનોને તક આપવા નેશનલ કોન્‍ફરન્‍સના અધ્‍યક્ષદેથી ફારૂક અબ્‍દુલ્લાએ રાજીનામુ આપી દીધુ છે.

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ ફારૂક અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યુ છે, તેમણે કહ્યુ કે હવે સમય આવી ગયો છે કે પાર્ટીની કમાન યુવાઓની આગળની પેઢીને સોપવામાં આવે. હવે પાર્ટીનો અધ્યક્ષ કોણ બનશે, તેની માટે 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે કોઇ પણ નેતા નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી શકે છે, તેમણે એમ પણ કહ્યુ કે તેમની પાર્ટી લોકતંત્ર પર વિશ્વાસ રાખે છે.

રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી હોવાની સંભાવના વચ્ચે ફારૂક અબ્દુલ્લાના આ પગલાએ તમામને ચોકાવી દીધા છે, તેમણે જેકેએનસી (જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ)ના અધ્યક્ષના રૂપમાં પદ છોડવાના પોતાના નિર્ણય વિશે પોતાના સહયોગીઓને જાણ કરી છે. પાર્ટીના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે તેમના સહયોગીઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસ છતા અબ્દુલ્લાએ પોતાનો નિર્ણય ના બદલવાનો નિર્ણય કર્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યુ, આ અચાનક જાહેરાતે તમામને ચોકાવી દીધા છે. પાર્ટી બંધારણ અનુસાર, પાર્ટી મહાસચિવને આગામી અધ્યક્ષ માટે ચૂંટણી કરાવવાનું કામ સોપવામાં આવ્યુ છે, જે 5 ડિસેમ્બરે પૂર્ણ થશે, તે સમય સુધી અબ્દુલ્લા પાર્ટીના અધ્યક્ષના રૂપમાં રહેશે.

કલમ 370 હટાવવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે. 2019માં જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370ને હટાવી દેવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં, ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે તેમની પાર્ટી, નેશનલ કોન્ફરન્સ ચૂંટણી માટે તૈયાર છે, તેમણે કહ્યુ કે સ્થિતિ ક્યારેય અનુકૂળ નથી રહી પરંતુ છતા પણ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાઇ. 2014માં જ્યારે કાશ્મીરમાં પુર આવ્યુ હતુ ચૂંટણી સ્થગિત કરવાના અનુરોધ છતા યોજના અનુસાર ચૂંટણી યોજાઇ હતી. તે તાજેતરમાં મતદાર યાદીમાં ગેર સ્થાનિક લોકોને સામેલ કરવાના વિવાદ વચ્ચે વિપક્ષના અન્ય સભ્યો સાથે બેઠક કરી રહ્યા હતા. જોકે, હજુ સુધી ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તારીખ નક્કી કરી નથી પરંતુ આ વાતના પુરતા સંકેત છે કે ચૂંટણી આવતા વર્ષની શરૂઆતમાં યોજાઇ શકે છે.

(5:18 pm IST)