Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

વાહ ભૈ વાહ... કોરોના પછી શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થી વધ્‍યા

સરકારના ‘બેટી બચાવો - બેટી પઢાઓ' અભિયાન રંગ લાવે છે : ૧૧-૧૪ વર્ષની ૯૮ ટકા બેટીઓના હાથમાં કલમ - કિતાબ આવી ચૂક્‍યા છે : સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્‍તર સુધર્યુ : જો કે મહામારીથી બાળકોની ભણવાની ક્ષમતા ઘટી : ગણિતમાં છાત્રો નબળા પડયા

નવી દિલ્‍હી તા. ૧૯ : કોરોના કાળ પછી શાળાઓમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્‍યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ દરમિયાન ૬ થી ૧૪ વર્ષના વિદ્યાર્થીઓ શાળા સાથે જોડાયા છે. એડમીશનનો દર ૨૦૧૮ના ૯૭.૨ ટકાથી વધીને ૨૦૨૨માં ૯૮ ટકાએ પહોંચ્‍યો છે.

સરકારના ‘બેટી બચાઓ - બેટી પઢાઓ' અભિયાનના કારણે ૧૧ થી ૧૪ આયુ વર્ગની ૯૮ ટકા દિકરીઓના હાથમાં પુસ્‍તક અને પેન આવી ચૂક્‍યા છે. આ ખુલાસો બિન સરકારી સંગઠન પ્રથમ દ્વારા જાહેર શિક્ષણની વાર્ષિક સ્‍થિતિ રિપોર્ટ (એએસઇઆર ૨૦૨૨)માં થયો છે.

રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે, મહામારી પછી બાળકોની ભણવાની બુનિયાદી ક્ષમતાને અસર થઇ છે અને તે ૨૦૧૨ પહેલાના સ્‍તર સુધી ઘટી ગઇ છે. રિપોર્ટ અનુસાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્‍થાન, ગુજરાત, કર્ણાટક, મહારાષ્‍ટ્રમાં ત્રીજા અને પાંચમાં ધોરણના બાળકો વાંચવાથી માંડીને ગણીતમાં પાછળ રહી ગયા છે. સરકારના પ્રયાસોથી થઇ રહેલ સુધારામાં મહામારીના કારણે રૂકાવટ આવી છે.

દેશના મોટાભાગના રાજ્‍યોમાં સરકારી અને ખાનગી શાળાના બાળકોમાં આ ઘટાડો ચિંતાજનક છે. સર્વેક્ષણમાં ૩-૧૬ આયુવર્ગના બાળકોના શાળાકીય શિક્ષણની સ્‍થિતી અને ૫-૧૬ વર્ષના બાળકોના બુનિયાદી અભ્‍યાસ અને અંકગણીતનું મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું. આ વર્ષે બાળકોની અંગ્રેજીની ક્ષમતાનું પણ પરીક્ષણ કરાયું હતું.

રાષ્‍ટ્રીય સ્‍તરે, બાળકોની સરળ અંગ્રેજી વાક્‍યો વાંચવાની ક્ષમતા ૨૦૨૨માં પાંચમાં ધોરણના બાળકો માટે ૨૦૧૬ના (૨૪.૭થી ૨૪.૫ ટકા) સ્‍તર જેટલી છે. આઠમાં ધોરણના બાળકોમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. આ વર્ગમાં ૨૦૧૬ના ૪૫.૩ ટકાથી વધીને ૨૦૨૨માં ૪૬.૭ ટકા થઇ છે.

 

કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સ્‍થિતી ચિંતાજનક

ત્રીજા ધોરણના ૨૭.૩ ટકા વિદ્યાર્થીઓ ૨૦૧૮માં બીજા ધોરણના સ્‍તરના પાઠ વાંચી શકતા હતા પણ ૨૦૨૨માં આ આંકડો ૨૦.૫ ટકા થઇ ગયો. દેશના સૌથી શિક્ષિત રાજ્‍યોમાં સામેલ કેરળમાં તે ૫૨.૧ ટકાથી ઘટીને ૩૮.૭ ટકા થઇ ગયો. તો હિમાચલ પ્રદેશમાં ૪૭.૭ ટકાથી ઘટીને ૨૮.૪ ટકા, હરિયાણામાં ૪૬.૪ ટકાથી ઘટીને ૩૧.૫ ટકા થતાં ૧૦ ટકાથી વધારે ઘટાડો થયો છે. જ્‍યારે આંધ્રપ્રદેશ (૨૨.૬ ટકાથી ઘટીને ૧૦.૩ ટકા) અને તેલંગાણા (૧૮.૧ ટકાથી ઘટીને ૫.૨ ટકાની હાલત ચિંતાજનક છે.

રાષ્‍ટ્રીય સ્‍તરે બાળકોના ગણીતના સ્‍તરમાં મોટાભાગના ધોરણોમાં ૨૦૧૮ની તુલનામાં ઘટાડો થયો છે. પણ વાંચવાની ક્ષમતાની સરખામણીમાં તે ઘટાડો પ્રમાણમાં ઓછો છે. જો કે આઠમાં ધોરણના બાળકોમાં સુધારો થયો છે. ૨૦૧૮માં ગણીતનું સ્‍તર ૪૪.૧ ટકા હતું તો ૨૦૨૨માં તે થોડું વધીને ૪૪.૭ ટકાએ પહોંચ્‍યું છે.

(10:43 am IST)