Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

યૂપી બુલડોઝર વાળી કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવા મૌલાના અશરદ મદનીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

અરજીમાં માંગણી કરવામાં આવી છે કે કોર્ટ એવો આદેશ પાસ કરે જેનાથી કોઇનું ઘર કે દુકાન તોડવામાં ના આવે: રાજ્ય સરકારના આદેશથી એકતરફી કાર્યવાહી કરતા મુસલમાનોના ઘર અને દુકાનો તોડી પાડ્યા હતા: ઉત્તર પ્રદેશમાં બુલડોઝરની રાજનીતિ પહેલાથી ચાલી રહી છે. જોકે હવે આ સિલસિલો ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ શરુ થયો છે : મૌલાના અશરદ મદની

સહારનપુર :  યૂપી વિધાનસભા ચૂંટણીમાં બુલડોઝરનો ડંકો ઘણો વાગી રહ્યો છે. બુલડોઝરના એક્શન સામે મૌલાના અશરદ મદનીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મૌલાના અશરદ મદનીના નિર્દેશ પર જમીઅત ઉલમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને બુલડોઝર વાળી કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બીજેપી શાસિત રાજ્યોમાં અપરાધ રોકવાની આડમાં અલ્પસંખ્યકો ખાસ કરીને મુસલમાન સામે ખતરનાક રાજનીતિ શરુ થવાની વાત કહેવામાં આવી છે. અરજીમાં માંગણી કરવામાં આવી છે કે કોર્ટ એવો આદેશ પાસ કરે જેનાથી કોઇનું ઘર કે દુકાન તોડવામાં ના આવે.

એક પ્રેસ નોટ જાહેર કરીને જમીઅત ઉલમા એ-હિંદે કહ્યું કે બીજેપી શાસિત રાજ્યોમાં ગુના રોકવાની આડમાં અલ્પસંખ્યકો ખાસ કરીને મુસલમાનોને તબાહ કરવાના ઉદ્દેશ્યથી બુલડોઝરની ખતરનાક રાજનીતિ શરુ થઇ છે. તેની સામે કાનૂની સંઘર્ષ માટે ભારતીય મુસલમાનોનું પ્રતિનિધિ સંગઠન જમીઅત ઉલમા એ હિંદે આ તાનાશાહી અને ક્રુરતાને રોકવા માટે મૌલાના અશરદ મદનીના વિશેષ આદેશ પર સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે રાજ્યોને આદેશ આપે કે કોર્ટની મંજૂરી વગર કોઇનું ઘર કે દુકાન પાડવામાં આવે નહીં.

જમીયત ઉલમા-એ-હિંદનું કહેવું છે કે ઉત્તર પ્રદેશમાં બુલડોઝરની રાજનીતિ પહેલાથી ચાલી રહી છે. જોકે હવે આ સિલસિલો ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ શરુ થયો છે. હાલમાં રામનવમીના દિવસે મધ્ય પ્રદેશના ખરગોનમાં જુલુસ દરમિયાન રમખાણો થયા હતા. આ પછી રાજ્ય સરકારના આદેશથી એકતરફી કાર્યવાહી કરતા મુસલમાનોના ઘર અને દુકાનો તોડી પાડ્યા હતા. મધ્ય પ્રદેશની સરકાર પોતાની આ ક્રુર કાર્યવાહીનો બચાવ કરી રહી છે.

અરજીમાં કેન્દ્ર સરકારની સાથે-સાથે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાત રાજ્યને પાર્ટી બનાવવામાં આવ્યા છે. મૌલાના મદનીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જે કામ કોર્ટનું હતું તે હવે સરકારો કરી રહી છે. એવું લાગી રહ્યું છે કે ભારતમાં હવે કાનૂનનું રાજ સમાપ્ત થઇ રહ્યું છે.

(10:03 pm IST)