Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

GST કાઉન્સિલ: પાંચ ટકાના ટેક્સ સ્લેબને આઠ ટકા કરવા માટે કોઈ તૈયારીઓ કરવામાં આવી રહી નથી : કેન્દ્રએ મીડિયા અહેવાલો થયેલ દાવાને નકારી કાઢ્યો

જાણકાર સૂત્રો મુજબ GST કાઉન્સિલ પાસે આવી કોઈ દરખાસ્ત આવી નથી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સોમવારે મીડિયા અહેવાલોને રદિયો આપ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) કાઉન્સિલ પાંચ ટકા ટેક્સ સ્લેબમાં આવતી વસ્તુઓને આઠ ટકા નાં સ્લેબમાં લાવવાની તૈયારી કરી રહી છે. એક રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ સરકારી સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.

સૂત્રોએ જણાવ્યું કે કાઉન્સિલ પાસે આવી કોઈ દરખાસ્ત નથી. આ સમાચાર માત્ર અટકળો પર આધારિત છે અને તેમાં કોઈ સત્યતા નથી. GST કાઉન્સિલની બેઠક આવતા મહિને યોજાવાની છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ બેઠકમાં કાઉન્સિલ પાંચ ટકા ટેક્સ સ્લેબમાં આવતી વસ્તુઓને ત્રણ અને આઠ ટકાના સ્લેબમાં લાવવાના પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે.

રવિવારે બહાર આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પ્રસ્તાવ મુજબ મોટા પાયે વપરાશની કેટલીક વસ્તુઓને ત્રણ ટકાના ટેક્સ સ્લેબમાં રાખવામાં આવશે અને બાકીની વસ્તુઓ પર આઠ ટકાના સ્લેબમાં ટેક્સ લાગશે.

હાલમાં, GSTમાં ચાર ટેક્સ સ્લેબ (5, 12, 18 અને 28 ટકા) છે. આ સિવાય સોના અને સોનાના ઘરેણા પર ત્રણ ટકા ટેક્સ લાગે છે. કાઉન્સિલમાં કેન્દ્રીય નાણામંત્રી અને રાજ્યો નાં નાણા મંત્રીઓ હોય છે.

જો પાંચ ટકાના સ્લેબમાં એક ટકાનો વધારો થશે તો તેના પરિણામે વાર્ષિક વધારાની રૂ. 50,000 કરોડની આવક થશે. આ સ્લેબમાં મુખ્યત્વે પેકેજ્ડ ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. GST હેઠળ, આવશ્યક ચીજવસ્તુઓ પરના ટેક્સનો દર કાં તો સૌથી નીચો રાખવામાં આવે છે અથવા તેમને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. જ્યારે, સૌથી વધુ ટેક્સ (28 ટકા) લક્ઝરી વસ્તુઓ પર વસૂલવામાં આવે છે અને આ રકમ GSTના અમલીકરણને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે રાજ્યોને આપવામાં આવે છે.

GST વળતર અનુદાનની સિસ્ટમ આ વર્ષે જૂનમાં સમાપ્ત થવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં રાજ્યો આત્મનિર્ભર બને અને GST કલેક્શનમાં રેવન્યુ ગેપ ભરવા માટે કેન્દ્ર પર નિર્ભર ન રહે તે જરૂરી છે. કાઉન્સિલે ગયા વર્ષે રાજ્યના મંત્રીઓ માટે એક સમિતિની રચના કરી હતી. જેનું નેતૃત્વ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કર્યું હતું. આ સમિતિને કરના દરોને તર્કસંગત બનાવીને અને કર માળખામાં રહેલી વિસંગતતાઓને દૂર કરીને આવક વધારવાના માર્ગો સૂચવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

1 જુલાઈ, 2017 ના રોજ GST લાગુ કરતી વખતે, કેન્દ્ર સરકારે રાજ્યોને જૂન 2022 સુધી GST વળતર અનુદાન આપવા માટે સંમત થયા હતા.

(10:31 pm IST)