Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

એમપીમાં એક કથાકાર શું બોલ્‍યા હતા તે વાંચો : કથામાં તેમણે કહ્યું કે ડરપોક, કાયર હિંદુઓ જાગો અને પત્થર ફેંકનારના ઘરે બુલડોઝર ચલાવો. મહારાજે તો ત્યાં સુધી કહી દીધું કે બધા હિંદુઓ શસ્ત્ર ઉઠાવો. સાથે કહ્યું કે મારી પાસે અત્યારે પૈસા નથી, નહીં તો હું પણ આવા લોકો પર બુલડોઝર ફેરવવા તત્પર છું.

કથાકારે કહ્યું કે, થોડા દિવસ પછી હું પણ બુલડોઝર ખરીદવાનો છું

નવી દિલ્‍હી : મધ્ય પ્રદેશમાં એક કથાકારે વ્યાસપીઠ પરથી જ ઉશ્કેરણીજનક શબ્દો કહ્યા છે. રામની કથામાં તેમણે કહ્યું કે ડરપોક, કાયર હિંદુઓ જાગો અને પત્થર ફેંકનારના ઘરે બુલડોઝર ચલાવો. મહારાજે તો ત્યાં સુધી કહી દીધું કે બધા હિંદુઓ શસ્ત્ર ઉઠાવો. સાથે કહ્યું કે મારી પાસે અત્યારે પૈસા નથી, નહીં તો હું પણ આવા લોકો પર બુલડોઝર ફેરવવા તત્પર છું. જાણે મહારાજ અમૃતવાણી કહેતા હોય તેમ પાછા શ્રોતાઓ તાડીનો ગડગડાટ પણ કરે છે.ધર્મના જ પહેરેદારો જો જાહેર મંચથી આવા ઉશ્કેરણી જનક વિધાનો બોલતા રહેશે તો તે દેશ માટે ચિંતાની વાત છે.

મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના પ્રખ્યાત બાગેશ્વર ધામના પૂજારી અને કથાકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં, તેઓ હિંદુઓને ઉશ્કેરી રહ્યા છે, તેમણે શ્રોતાઓને કહ્યું કે પત્થર ફેંકનારા લોકોના ઘરોમાં બુલડોઝર ફેરવી દો.

વીડિયોમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વ્યાસ પીઠમાં કથા દરમ્યાન કહી રહ્યા છે કે જે લોકો હિંદુ દેવી-દેવતાઓના કાર્યક્રમોમાં પત્થરર ફેંકે છે તેમના ઘર પર બુલડોઝર ફેરવવું જોઈએ. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિડિયોમાં ભક્તોને કહે છે કે જો તમે અત્યારે નહીં જાગો તો તમારે તમારા ઘરમાં પણ આ બધું ભોગવવું પડશે. બધા હિંદુઓ એક થઈને પત્થરબાજોના ઘરો પર બુલડોઝર ચલાવો.

કથાકારે કહ્યું કે, થોડા દિવસ પછી હું પણ બુલડોઝર ખરીદવાનો છું, એટલા પૈસા નથી નહીંતર આપણે પણ બુલડોઝર ખરીદીશું અને રામના કામ પર, સનાતની મહાત્મા, સનાતની હિંદુઓ પર પત્થર ફેંકનારના ઘર પર બુલડોઝર ચલાવીશ. કથાકારે કહ્યું કે મારી પ્રાર્થના છે હિંદુઓ, જાગો, તમારા ઘર પર જે પથ્થર ફેંકે છે તેના ઘરે JCB લઈ જાઓ, કારણ કે આ ભારત સનાતનીઓનું છે અને સનાતનીઓના દેશમાં, જો રામ નવમીના દિવસે કોઈ પથ્થર ફેંકે. રામની યાત્રા પર પત્થર ફેંકે તો, હે, મૂર્ખ, કાયર, બધા હિંદુઓ જાગો અને હાથમાં હથિયાર ઉઠાવી લો.કહો કે આપણે બધા હિંદુઓ એક છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર આખરે કયાં સુધી બુલડોઝર ફેરવશે, તેના માટે હિંદુઓએ બુલડોઝર ફેરવવા માટે આગળ આવવું પડશે. તેમણે કહ્યુ કે જયારે બધા હિંદુઓ તેમના મકાનો તોડી પાડવા માટે સક્ષમ બનશે ત્યારે પત્થર મારનાર પોતાના માથામાં પત્થર મારશે અને આપણે જય જય થઇ જઇશું.

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છતરપુર જિલ્લાના પ્રખ્યાત બાગેશ્વર ધામના પૂજારી અને કથાકાર છે. તેમના ફોલોઅર્સની સંખ્યા કરોડોમાં છે. તેમણે ટૂંકા ગાળામાં જ ઘણી ખ્યાતિ મેળવી છે. તેમના વિશે એવું પણ કહેવાય છે કે તેઓ કોઈ પણ વ્યક્તિ સાથે વાત કર્યા વિના તે વ્યક્તિની સમસ્યા જણાવે છે. દર મંગળવારે પંડિત ધીરેન્દ્ર છત્તરપુર જિલ્લાના ગડા ગામમાં દરબાર રાખે છે. જ્યાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી લોકો પોતાની સમસ્યાઓ લઈને પહોંચે છે.

(11:38 pm IST)