Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

હવેથી યુપીમાં પરવાનગી વિના ધાર્મિક શોભાયાત્રા નહીં કાઢી શકાય

યોગી સરકારનો સૌથી મોટો નિર્ણય : રામનવમી-હનુમાન જયંતિ પર અનેક જગ્‍યાએ ઘટી છે હિંસાની ઘટનાઓ

લખનૌ,તા. ૧૯: હવેથી યુપીમાં પરવાનગી વિના કોઈ પણ પ્રકારનું ધાર્મિક સરદ્યસ કે શોભાયાત્રા નહીં નીકાળી શકાય. આ સંદર્ભે યોગી સરકારે સોમવારે મહત્‍વનો આદેશ જારી કર્યો છે. મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથના આદેશ અનુસાર, હવેથી રાજયમાં શોભાયાત્રા નીકાળતા પહેલાં આયોજકો પાસેથી શાંતિ અને સૌહાર્દ જાળવવા અંગે એફિડેવિટ લેવામાં આવશે.

મુખ્‍યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્‍વિટર એકાઉન્‍ટ પરથી ટ્‍વિટ કરવામાં આવ્‍યું છે કે, ‘હવેથી કોઈ શોભાયાત્રા કે ધાર્મિક સરઘસ પરવાનગી વિના નીકાળવામાં નહીં આવે. પરવાનગી પહેલાં, આયોજક પાસેથી શાંતિ અને સંવાદિતા જાળવવા અંગેનું સોગંદનામું લેવામાં આવશે. ફક્‍ત એ લોકોને જ ધાર્મિક સરઘસ નીકાળવાની પરવાનગી અપાશે કે જે પરંપરાગત હોય, નવા કાર્યક્રમોને બિનજરૂરી પરવાનગી ન આપવી જોઈએ.'

યોગી સરકારનો આ આદેશ પણ એવાં સમયે આપવામાં આવ્‍યો કે જયારે હાલમાં રામનવમી અને હનુમાન જયંતિના અવસર પર દેશના અલગ-અલગ રાજયોમાં શોભાયાત્રા દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી છે. એ સિવાય દિલ્‍હીના જહાંગીરપુરીમાં પણ હનુમાન જયંતિ પર હિંસા થઈ હતી.

(10:23 am IST)