Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

પ્રશાંત કિશોરે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે રણનીતિ ઘડી

ત્રણ દિવસમાં કિશોર સાથે કોંગ્રેસના નેતાઓની આ બીજી મુલાકાત હતી

નવી દિલ્‍હી,તા.૧૯:  આઈ.એ.એસ. રાજકીય વ્‍યૂહરચનાકાર પ્રશાંત કિશોરે સોમવારે સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે ૨૦૨૪ની સામાન્‍ય ચૂંટણીના રોડમેપ અંગે ચર્ચા કરી હતી. ત્રણ દિવસમાં કિશોર સાથે કોંગ્રેસના નેતાઓની આ બીજી મુલાકાત હતી. કેસી વેણુગોપાલ, અંબિકા સોની, પ્રિયંકા ગાંધી વાડ્રા, મુકુલ વાસનિક, જયરામ રમેશ, પી. ચિદમ્‍બરમ અને રણદીપ સિંહ સુરજેવાલા સહિત અનેક નેતાઓ હાજર હતા.

તે જ સમયે, કોંગ્રેસ નેતૃત્‍વ સાથે પ્રશાંત કિશોરની સતત બેઠકોને કારણે, એવી અટકળો છે કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ પણ ઇચ્‍છે છે કે પ્રશાંત કિશોર ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં જોડાય. મળતી માહિતી મુજબ, પ્રશાંત કિશોરે લોકસભાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્‍ડને વિગતવાર રજૂઆત પણ કરી છે. સૂત્રોએ જણાવ્‍યું હતું કે આ બેઠકનો હેતુ આ વર્ષે યોજાનારી ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે કર્ણાટક, છત્તીસગઢ, મધ્‍યપ્રદેશ અને રાજસ્‍થાનની ચૂંટણી માટે આગોતરી યોજના તૈયાર કરવાનો હતો.

તાજેતરમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રશાંત કિશોરે ૨૦૨૪ની સામાન્‍ય ચૂંટણીમાં કોંગ્રેસના ગેમ પ્‍લાન અંગે ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, કિશોરે આ બેઠકમાં સૂચન કર્યું હતું કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં એકલા હાથે લડે. તમિલનાડુ, પヘમિ બંગાળ અને મહારાષ્ટ્રમાં ગઠબંધનમાં ચૂંટણી લડી. પ્રશાંત કિશોરની આ સલાહ પર રાહુલ ગાંધી સહમત દેખાયા. સૂત્રોએ જણાવ્‍યું કે કોંગ્રેસ પાસે પ્રસ્‍તાવ પર પાછા ફરવા માટે ૨ મે સુધીનો સમય છે.

બીજી તરફ, સોનિયા ગાંધીની પુત્રી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, વરિષ્ઠ નેતાઓ મુકુલ વાસનિક, રણદીપ સિંહ સુરજેવાલા, કેસી વેણુગોપાલ અને અંબિકા સોનીએ આજે   દિલ્‍હીમાં ૧૦ જનપથ રોડ સ્‍થિત નિવાસસ્‍થાને બેઠકમાં હાજરી આપી હતી.

(10:16 am IST)