Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર મુકેશભાઈ અંબાણીનો જન્‍મદિવસઃ ૬૫માં વર્ષમાં મંગલપ્રવેશ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા-વાપી): રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્‍ટર શ્રી મુકેશભાઈ અંબાણીનો આજે ૧૯મી એપ્રિલના રોજ જન્‍મદિવસ છે. તેમના આ જન્‍મદિને તેમને પર ચોમેરથી તેમના ઉપર  શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

સ્‍વ. શ્રી ધીરૂભાઈ અંબાણીના જયેષ્‍ઠ પુત્ર મુકેશભાઈએ રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝને સતત પ્રગતિના પંથે આગળ ધપાવી છે મોરના ઈંડાને ચીતરવાના પડે તેમ પિતા પાસેથી ધંધાનું કૌશલ્‍ય,કામ કરાવવાની કુનેહ જાણે વારસામાં મળી છે.

૧૯ એપ્રિલ,૧૯૫૭ના રોજ એડેન ખાતે જન્‍મ. પિતાનું નામ ધીરૂભાઈ અને માતાનું નામ કોકિલાબેન. જન્‍મ વેળાએ ક્‍યાં કોઈને ખબર હતી કે આ બાળક એક સફળ ઉદ્યોગપતિ તરીકે ફક્‍ત ભારતમાં જ નહિ પરંતુ વિશ્વભરમાં પોતાનું નામ ગુંજતું કરશે.મુકેશભાઈએ હિલ ગ્રાંજ હાઈ સ્‍કૂલ ખાતે સ્‍કૂલિંગ પૂર્ણ કર્યા  બાદ કોલેજની ડિગ્રી એમણે સેન્‍ટ ક્ષેવિયર્સમાંથી પ્રાપ્‍ત કરી. ત્‍યારબાદ બી.ઈની પદવી એમણે ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ કેમિકલ ટેક્‍નોલોજીમાંથી મેળવી.આગળ વધીને મુકેશભાઈએ પ્રતિષ્ઠિત સ્‍ટેનફોર્ડ યુનિવર્સીટી ખાતે એડમિશન લીધું.

પરંતુ ૧૯૮૦ના વર્ષમાં વડાપ્રધાન શ્રીમતી ઇન્‍દિરા ગાંધીએ પોલિયેસ્‍ટર ફિલામેન્‍ટયાર્નનું  મેન્‍યુફેકચરીંગ કરવાની છૂટ  પ્રાઇવેટ સેકટરને આપવા લાઇસન્‍સ સિસ્‍ટમ્‍સ બહાર પાડી અને જેમાં ધીરૂભાઈનેએ લાઇસન્‍સ મેળવવામાં સફળતા મળી બસ તુરંત જ તેમણે મુકેશભાઈને આ પ્રોજેક્‍ટ માટે ભારત પરત બોલાવી લીધા અને મુકેશભાઈ પણ પળનો વિલંબ કાર્ય વિના પરત ભારત ફરી ૧૯૮૧ના વર્ષમાં પી.એફ.વાય  પ્રોજેકટમાં જોડાઈ ગયા.

 માત્ર ૨૪ વર્ષની વયે ધીરૂભાઇએ મુકેશભાઈને પાતાળગંગા પેટ્રોકેમિકલ પ્‍લાન્‍ટના નિર્માણની જવાબદારી સોંપી, બસ પછી તો જોવુ જ શું  હતું  મુકેશભાઈએ રાત દિવસ એક કરી આ પ્‍લાન્‍ટ ના નિર્માણ માટે તનતોડ મેહનત કરી અને તેમાં તેઓ સફળ પણ થયા.

આગળ વધીને જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામે ૭૫૦૦ એકર જમીન પર રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ ની રિફાઇનરીનો પ્રોજેક્‍ટ હાથ પર લીધો અને અશક્‍ય સમા આ પ્રોજેકટને શકય કરી બતાવ્‍યો.

સપ્‍ટેમ્‍બર ૨૦૧૬ના વર્ષમાં મુકેશભાઈએ ટેલિકોમ ક્ષેત્રે ઝંપલાવ્‍યું. તેઓ જીઓ લાવ્‍યા, મોબાઈલ અને ઇન્‍ટરનેટ ક્ષેત્રે અદભુત ક્રાંતિ સર્જી જેનો લાભ કરોડો મોબાઈલ ધારકો ને મળ્‍યો.

 વિનમ્ર અને સરળ સ્‍વભાવ ધરાવતા સાદગી ને વરેલા મુકેશભાઈ આજે આશરે ૯૬૯૦ કરોડ US ડોલર ની સંપત્તિ ધરાવે છે એટલે કે અંદાજે ૭,૧૮,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિના સ્‍વામી છે. ૨૦૧૧ થી ૨૦૨૧ સુધીં એટલે કે એક દશકા સુધી તેઓ ભારતના સૌથી ધનાઢ્‍ય વ્‍યક્‍તિ હતા.૨૦૦૮ના વર્ષમાં મુંબઈ ઇન્‍ડિયન્‍સ ટિમને ખરીદ્યા બાદ દુનિયાના સૌથી ધનાઢ્‍ય સ્‍પોર્ટ્‍સ ટીમના માલિકનું બિરૂદ મળ્‍યું  હતું શ્રી મુકેશભાઈને.

મુકેશભાઈના પારાવારિક જીવન વિષે જોઈએ તો નીતાબેન સાથે ૧૯૮૫માં લગ્નગ્રંથી થી જોડાયા,સંતાનોમાં  તેમને  આકાશ અને અનંત નામે બે પુત્ર અને  ઈશા નામે એક પુત્રી છે જેઓ પણ રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ તથા જીઓ સાથે સંકળાયેલ છે. મુકેશભાઈએ ત્રણેય સંતાનો ના લગ્ન કરી એ જવાબદારી પણ પૂર્ણ કરેલ છે એટલુંજ નહિ હાલમાં જ એમને દાદા બનવાનું એક અનેરૂં સુખ પણ પ્રાપ્‍ત થયું છે.

અદભુત અને અચંબિત કરી દેનારી સવલતો સાથેના ઘર એટલે કે એન્‍ટિલિયા મુકેશભાઈ અને તેમના પરિવારનું નિવાસસ્‍થાન છે.

આજે એટલે કે ૧૯મી એપ્રિલ ૨૦૨૨ના રોજ યશસ્‍વી કારકિર્દીના  ૬૪ વર્ષ પૂર્ણ કરી ૬૫માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. આ વેળાએ ‘અકિલા' પરિવાર તરફથી શ્રી મુકેશભાઈને હાર્દિક શુભેચ્‍છા.

(11:27 am IST)