Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

*વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ અસ્થિ સુમનનું સ્વાન રીવર, પર્થ - ઓસ્ટ્રેલિયામાં વિસર્જન*

 

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજ ઓસ્ટ્રેલિયામાં પરિવ્રાજક સમ સત્સંગ વિચરણ કરીને હજારો હરિભક્તો પર સંસ્કાર વર્ષા કરીને સત્સંગની હરિયાળી પાથરી છે. તેના પરિપાક રૂપે આજે પર્થ, સીડની, મેલબોર્ન, એડિલેડ, બ્રિસ્બેન વગેરે શહેરોમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિતો વસે છે.

તા. ૧૮-૪-૨૦૨૨, મંગળવારના સપરમા દિવસે અષ્ટોત્તર શતનામ જનમંગલના નામોચ્ચાર સહ પૂજન અર્ચન સુસંપન્ન થયા બાદ પરમ પવિત્ર પુણ્યસલીલા સ્વાન રીવરમાં અવિસ્મરણીય દિને વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં પવિત્ર અસ્થિ સુમન - પુષ્પોનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

 

 વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ અસ્થિ સુમન વિસર્જન અવસરે સ્વાન રીવર પર્થના કાંઠે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું મહિમા ગાન, ધૂન અને કીર્તન સ્તવન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓશ્રીના અનુગામી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા મોટેરા સંતો-મહંતો અને હરિભક્તોએ અસ્થિ કુંભનું કંકુ-ચોખા, અબીલ ગુલાલ, પુષ્પોથી વૈદિક મંત્રોચ્ચાર સહ પૂજન અર્ચન કર્યા બાદ સર્વેએ આરતી ઉતારી હતી. જનમંગલના નામ રટણ સહ અને કઠોર હૃદયે સર્વે સંતો - ભક્તોએ અસ્થિ કુંભને વધાવ્યો હતો. સવારના માંગલિક વાતાવરણમાં સર્વે પૂજ્ય સંતો તથા હરિભક્તોએ સ્વાન રીવરના નીરમાં ઊભા રહી વિવિધ સંકલ્પોની પરિપૂર્તિ માટે "સ્વામિનારાયણ" મહામંત્રની ધૂન્ય કરી હતી. ત્યાર પછી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીએ પુણ્યસલિલા સ્વાન સરિતાને પાવન કરતાં શ્રી હરિકૃષ્ણ મહારાજની દિવ્ય દ્રષ્ટિ દ્વારા અસ્થિ સુમન વિસર્જનના મુખ્ય સંકલ્પ સાથે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજે શ્રી હરિકૃષ્ણ મહારાજની દૃષ્ટિ કરાવતા વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજના અસ્થિ સુમનોનો અભિષેક સ્વાન રીવરમાં કર્યો. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાના પાદારવિન્દથી પાવન થયેલી સ્વાન રીવર ઉત્સાહિત દીસતી હતી. વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ એવા પુરુષ હતા કે જેમનું અસ્થિવિસર્જન ચાણોદ, સાબરમતી નદી, મહિસાગર નદી - કડાણા ડેમ, પુણ્યસલીલા ભાગીરથી - ગંગા નદી, માંડવી સમુદ્ર, થેમ્સ રીવર - લંડન, લેઈક ડિસ્ટ્રિક્ટ - યુકે, મોમ્બાસા - હિન્દ મહાસાગર, આફ્રિકા અને સ્વાન રીવર, પર્થ ઓસ્ટ્રેલિયા વગેરેમાં થયું છે. આમ તો આખા બ્રહ્માંડમાં થાય એવું છે પણ આપણે મર્યાદા પ્રમાણે જ્યાં જ્યાં સગવડ થઈ, અનુકૂળતા થઈ ત્યાં ત્યાં કર્યું છે અને કરવાનું છે. સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને સદ્ધર્મરત્નાકર આચાર્ય સ્વામીજી મહારાજે ધારણ કરેલા એવા એ મહાન પુરુષ હતા.

(2:13 pm IST)