Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

કોર્ટ કેસ લાંબા ચાલે તો ફિલ્મ પિટાઈ જાય છે : બોમ્બે હાઈકોર્ટ

'જર્સી' કોપીરાઈટ ભંગના વિવાદમાં સપડાઈ : જર્સી ફિલ્મની રિલિઝ સામે સ્ટે આપવાના ઈનકાર બાદ નિર્માતાઓને સમાધાનની શક્યતા ચકાસવા કોર્ટનું સુચન

મુંબઈ,તા.૧૯ : આગામી સપ્તાહે રિલીઝ થઇ રહેલી શાહિદ કપૂરની ફિલ્મ જર્સી કોપીરાઇટ ભંગના વિવાદમાં સપડાઇ છે. આ ફિલ્મની રિલીઝ સામે સ્ટે આપવાનો બોમ્બે હાઈકોર્ટની સિંગલ બેંચે ઇનકાર કર્યા બાદ અરજદારે બોમ્બે હાઇકોર્ટની ડિવિઝન બેન્માં અપીલ કરી છે. જ્યાં સુનાવણી દરમિયાન  હાઈકોર્ટે જર્સીના નિર્માતાઓને સમાધાનની શક્યતા ચકાસી જોવાનું સૂચન કરતાં કહ્યું છે કે જે ફિલ્મોના કોર્ટ કેસ લાંબા ચાલે તે બોક્સ ઓફિસ પર પિટાઈ જાય છે. આ એક અભિશાપ છે.

જર્સી મૂળ તો એક તેલુગુ ફિલ્મની રિમેક છે. પરંતુ, રજનીશ જયસ્વાલ નામના એક લેખકના દાવા અનુસાર પોતે ૨૦૦૭માં એક ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી તેના આધારે જ જર્સી બનાવવામાં આવી છે.

નિર્માતાઓની દલીલ એવી છે કે અગાઉ મૂળ ફિલ્મ તેલુગુમાં રિલીઝ થઇ ચુકી છે અને ત્યારે અરજદારે પોતાની સ્ક્રિપ્ટની નકલનો દાવો કર્યો ન હતો તો માત્ર હિંદી માટે જ તેઓ કેવી રીતે દાવો કરી શકે.

બીજી તરફ અરજદારનું કહેવું છે કે પોતે તેલુગુ ભાષા સમજતા નથી. તેલુગુમાં ફિલ્મ ક્યારે રિલીઝ થઇને રજૂ થઇ ગઇ તેની તેમને ખબર જ નથી. હિંદી ભાષાની ફિલ્મનાં પ્રમોશન શરૃ થયાં ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે આ તો પોતાની જ સ્ટોરીની ઉઠાંતરી છે.

અરજદારના ધારાશાસ્ત્રીએ જો તેમને ફિલ્મના સહલેખક તરીકે ક્રેડિટ આપવામાં આવે તો સમાધાન થઇ શકે તેમ છે તેવો નિર્દેશ કર્યો હતો.  તેને પગલે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કે. આર. શ્રીરામ અને એન.આર. બોરકરની ડિવિઝન બેન્ચે ફિલ્મ નિર્માતાઓને આ દરખાસ્ત સ્વીકારી સમાધાનની શક્યતા ચકાસી જોવા સૂચવ્યું હતું કે બહુ લાંબા કેસ ચાલે એ ફિલ્મ બોક્સ ઓફિસ પર ટકતી નથી. તેને બદલે સમાધાનની આ ફોર્મ્યુલા પર વિચાર કરી જુઓ.

(8:00 pm IST)