Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

મારી ગિફ્ટ, મારી મરજી, કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો

ઈમરાન ખાનની ગિફ્ટ વેચવાના વિવાદ પર પ્રતિક્રિયા : તોશાખાના પાસેથી ગિફ્ટો વેચવામાં આવી હોવાના આક્ષેપો પાયાવિહોણા છે અને 'જે પણ તોશાખાના પાસેથી જે કંઈ ખરીદ્યું તે રેકોર્ડ પર છે

ઈસ્લામાબાદ,તા.૧૯ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તોશાખાનાની ગિફ્ટના વેચાણના વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. ખાને સોમવારે કહ્યું હતું કે, તે તેમની ગિફ્ટ છે તેથી તે નક્કી કરશે કે તે તેમની પાસે રાખે કે ન રાખે. પાકિસ્તાનના કાયદા અનુસાર અન્ય દેશના મહાનુભાવો તરફથી મળેલી કોઈપણ ગિફ્ટ સરકારના જમા ખાતું અથવા તોશાખાનામાં રાખવી આવશ્યક છે.

પાકિસ્તાનના અહેવાલ પ્રમાણે ખાને એક અનૌપચારિક વાતચીતમાં કહ્યું હતું કે, 'મારા ગિફ્ટ, મારી મરજી'.  તેઓ અવિશ્વાસ મત દ્વારા પદભ્રષ્ટ થનારા પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન બન્યા છે.

ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના આરોપો પર પ્રતિક્રિયા આપી છે. ખાને કહ્યું હતું કે, તોશાખાના પાસેથી ગિફ્ટો વેચવામાં આવી હોવાના આક્ષેપો પાયાવિહોણા છે અને 'જે પણ તોશાખાના પાસેથી જે કંઈ ખરીદ્યું તે રેકોર્ડ પર છે અને જો કોઈની પાસે ભ્રષ્ટાચારના પુરાવા હોય તો તેમણે સામે આવવું જોઈએ'.

આ મામલો ગયા અઠવાડિયે સામે આવ્યો જ્યારે વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે, ઈમરાન ખાને પોતાના કાર્યકાળ દરમિયાન દુબઈમાં ૧૪ કરોડ રૃપિયાના તોશાખાનાની ગિફ્ટ વેચી હતી. અહેવાલો પ્રમાણે ભૂતપૂર્વ વડા પ્રધાનને તેમના સાડા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન વૈશ્વિક નેતાઓ પાસેથી રૃ. ૧૪ કરોડથી વધુની કિંમતની ૫૮ ગિફ્ટો મળી હતી અને તે તમામને નજીવી રકમ ચૂકવીને અથવા કોઈપણ ચૂકવણી વગર રાખી હતી. અહેવાલ અનુસાર ખાન કહ્યું હતું કે, અલ્લાહનો આભાર, છેલ્લા ૩ વર્ષમાં તોશાખાના ગિફ્ટ કૌભાંડમાં મારી વિરુદ્ધ જે કંઈ પણ મળ્યું તે રેકોર્ડ પર છે'. ખાને કહ્યું હતું કે, મેં ૫૦ ટકા ખર્ચ ચૂકવીને ગિફ્ટો ખરીદી છે.પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના અધ્યક્ષે કહ્યું હતું કે, 'જો મારે પૈસા કમાવવા હોય, તો મેં મારા ઘરને કેમ્પ ઓફિસ તરીકે જાહેર કર્યું હોત.' ખાને પીટીઆઈને જણાવ્યું હતું કે, સરકારે ગિફ્ટો જાળવી રાખવાની નીતિમાં ફેરફાર કર્યો છે અને કિંમત ૧૫ ટકાથી વધારીને ૫૦ ટકા કરી દીધી છે.

(8:04 pm IST)