Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

પાવર પ્લાન્ટની કામગીરીને અસર થતા પાક.માં ઘરો-કારખાનાઓમાં વીજ કાપ

પાકિસ્તાનમાં પણ ઘેરૃં બનતું વીજ સંકટ : પાકિસ્તાન પણ વિદેશી ચલણની અછતથી ઝઝૂમી રહ્યું છે, અન્ય દેશો પાસેથી કોલસો કે, કુદરતી ગેસ ખરીદવાની સ્થિતિમાં નથી

ઈસ્લામાબાદ,તા.૧૯ : શ્રીલંકાની જેમ પાકિસ્તાનમાં પણ વીજળીનું સંકટ ઘેરૃં બની રહ્યું છે. પાકિસ્તાનમાં ઘરો અને કારખાનાઓને આપવામાં આવતી વીજળી પર કાપ મૂકવામાં આવી રહ્યો છે. તેનું કારણ એ છે કે, શ્રીલંકાની જેમ પાકિસ્તાન પણ વિદેશી ચલણની અછતથી ઝઝૂમી રહ્યું છે. આ અછતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, પાકિસ્તાન અન્ય દેશો પાસેથી કોલસો કે, કુદરતી ગેસ ખરીદવાની સ્થિતિમાં નથી જેના કારણે પાવર પ્લાન્ટની કામગીરી પ્રભાવિત થઈ રહી છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે પુરવઠામાં વિક્ષેપને કારણે લિક્વિફાઈડ નેચરલ ગેસ અને કોલસાના ભાવ ગયા છેલ્લા મહિનાથી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. અહેવાલ પ્રમાણે કિંમતોમાં આ વધારાને કારણે દક્ષિણ એશિયાઈ દેશને સ્પોટ માર્કેટથી ઈંધણ ખરીદવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાકિસ્તાનના નવનિયુક્ત નાણાપ્રધાન મિફતાહ ઈસ્માઈલની ટ્વિટર પોસ્ટ અનુસાર દેશમાં ઈંધણની અછતને કારણે ૧૩ એપ્રિલ સુધી ૩,૫૦૦ મેગાવોટ વિજળી પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, ટેકનિકલ ખામીઓને કારણે સમાન ક્ષમતાના પ્લાન્ટ ઓફલાઈન છે. કરાચીમાં આરિફ હબીબ લિમિટેડના સંશોધનના વડા તાહિર અબ્બાસના જણાવ્યા પ્રમાણે ૭,૦૦૦ મેગાવોટ દેશની કુલ વીજ ઉત્પાદન ક્ષમતાના લગભગ ૨૫ ટકા છે.

વીજળીની અછતને કારણે પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફ સામે પડકારો વધી ગયા છે. તેનું કારણ એ છે કે, દેશ પહેલેથી જ આર્થિક પડકારોથી ઘેરાયેલો છે. શરીફને દેશના નવા ઉર્જા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા નથી.  પાકિસ્તાન પોતાની ઉર્જા જરૃરિયાતો માટે મુખ્યત્વે આયાત પર નિર્ભર છે અને ઈંધણના વધતા ભાવની અસર આ દેશમાં જોવા મળી રહી છે.

(8:04 pm IST)