Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ચીને લદ્દાખના હોટ સ્પ્રિંગ વિસ્તાર નજીક ત્રણ સેલફોન ટાવર લગાવ્યા

ચીન નાપાક ષડયંત્ર રચવામાં વ્યસ્ત : એવું માનવામાં આવે છે કે ચીન આ વિસ્તારમાં પોતાની સૈન્ય પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે

નવી દિલ્હી,તા.૧૯ : એક તરફ જ્યાં વિશ્વ યુક્રેન યુદ્ધથી પરેશાન છે, ત્યારે ચીન આ તમામ બાબતોને નકારીને ભારતીય સરહદ પાસે પોતાનું નાપાક ષડયંત્ર રચવામાં વ્યસ્ત છે. લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે લગભગ બે વર્ષથી તણાવ ચાલી રહ્યો છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર બંને દેશોની સેના સામસામે છે. દરમિયાન, એવા અહેવાલો છે કે ચીને લદ્દાખના હોટ સ્પ્રિંગ વિસ્તાર નજીક ત્રણ સેલફોન ટાવર લગાવ્યા છે. એવું માનવામાં આવે છે કે ચીન આ વિસ્તારમાં પોતાની સૈન્ય પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ચીનની આ કાર્યવાહીની જાણકારી પશુપાલકો દ્વારા આપવામાં આવી છે જેઓ તેમના પશુઓને ચરાવીને પરત લાવી રહ્યા હતા. લદ્દાખ ઓટોનોમસ હિલ કાઉન્સિલમાં ચુસુલ બોર્ડરનું પ્રતિનિધિત્વ કરતા નોચોક સ્તાનજિને કહ્યું કે આટલા દૂરના વિસ્તારમાં ચીનના મોબાઈલ ટાવરની સ્થાપના ભારતના સરહદી વિસ્તારોના ગામડાઓમાં નબળા કોમ્યુનિકેશન તરફ ઇશારો કરે છે. તેઓ (ચીન) આવા દૂરના વિસ્તારમાં ૪જીટાવર સ્થાપિત કરી રહ્યા છે. જેનાથી હવે તેમના પશુપાલકો સતત સંપર્કમાં રહેશે. જ્યારે આપણા પશુપાલકો એકવાર તેમના પ્રાણીઓ સાથે ચરાવવા માટે નીકળી ગયા પછી, તેમનો સંપર્ક કરવો મુશ્કેલ છે. જો કે બોર્ડર પર એવા બે ગામ છે જ્યાં ટુજી સર્વિસ છે પણ નબળા સિગ્નલની સમસ્યા પણ છે. તેમણે ચીનના ટાવરની કેટલીક તસવીરો પણ ટ્વીટ કરી છે, જે ભરવાડો દ્વારા લેવામાં આવી હતી. જો કે અમે આની પુષ્ટિ કરી શકતા નથી.

મારસિમિક ખીણ (લદ્દાખ પાસ) દ્વારા ફોબ્રાંગ ગામથી ૨૨ કિમી દૂર પૂર્વ લેહ તરફ ૫-૬ કલાકની ડ્રાઇવ પછી હોટ સ્પ્રિંગ પહોંચાય છે. ફોબ્રાંગ ગામથી ચાંગથાંગની ખીણ અને ચુમારની પૂર્વ તરફના પશ્ચિમ વિસ્તારમાં ટેલિકોમ કનેક્શન નબળા છે.

ફોબ્રાંગ અને પેંગોંગ મેન-મેરકને અડીને આવેલા અન્ય બે ગામોમાં મર્યાદિત ૨જીસેવા ઓફર થાય છે. તાજેતરમાં ચુશુલ અને ડેમચોકમાં ૪જીસેવા શરૃ થઈ છે. જોકે, VSAT આધારિત સેવાને કારણે અહીં ધીમી સેવાની સમસ્યા છે. દરમિયાન, ચીનની મોબાઇલ સર્વિસ એરવેવ્સ આઈટીબીપીની હેમા પોસ્ટથી તગ્યારમેલ વિસ્તાર સુધી સરળતાથી સુલભ છે.

સ્તાનજિને કહ્યું કે પેંગોંગ ત્સો પાસે પુલ બનાવ્યા બાદ હોટ સ્પ્રિંગ વિસ્તારમાં મોબાઈલ ટાવર બનાવવાનો સ્પષ્ટ અર્થ છે કે ચીન ડબલ આધારભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને તેના પશુપાલકોને ફાયદો કરાવવા માંગે છે, પરંતુ સાથે જ તે સરહદ પર સૈનિકોની સંખ્યા વધારી શકે છે.

જ્યાં પણ ચીની સૈનિકો મોટી સંખ્યામાં છે ત્યાં તેઓ ૪જી સેવા લોન્ચ કરે છે. આમ ડ્યુઅલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા તે સૈનિકોની તૈનાતી વધારી શકે છે.

નોંધનીય છે કે ચીને હાલમાં જ પેંગોંગમાં ભારતીય સેનાની ખુર્નાક પોસ્ટથી ૨૦ કિલોમીટર દૂર ૪૦૦ મીટર લાંબો અને ૮ મીટર પહોળો પુલ બનાવ્યો છે. તે ચુશુલ સબ સેક્ટરની દક્ષિણ ધાર પર આવેલું છે.

(8:09 pm IST)