Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

શેલ કંપનીઓમાં અજાણ્યા, ઝૂંપડામાં રહેનારાઓને ટોચના હોદ્દા અપાય છે

દેશમાં મની લોન્ડરિંગ રોકવાનું કામ વધુ મુશ્કેલ બન્યું : મની લોન્ડરિંગ માટે અત્યંત સાધારણ માણસોના નામ અને ઓળખનો ઉપયોગ કરીને સોદા પાર પાડવામાં આવે છે

નવી દિલ્હી,તા.૧૯ : દેશમાં મની લોન્ડરિંગ રોકવાનું કામ સરકારી એજન્સીઓ માટે વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે. ભેજાબાજ લોકો મની લોન્ડરિંગ માટે સતત નવા રસ્તા શોધતા રહે છે જેમાંથી કેટલાક ઉપાય તો ખરેખર આશ્ચર્યમાં મુકી દે તેવા હોય છે. વડોદરામાં રહેતા રાજુભાઈ (નામ બદલ્યું છે) વર્ષોથી સ્વીપર તરીકે કામ કરે છે અને બહુ સાધારણ ઘરમાં રહે છે. થોડા દિવસો પહેલાં તપાસકર્તા એજન્સીઓના માણસો તેમના ઘરે આવ્યા અને પૂછપરછ કરી ત્યારે તેમને ખબર પડી કે કોઈએ તેમને કોઈ ખાનગી કંપનીના એમડીબનાવી દીધા છે અને તેમના નામે તગડો પગાર પણ અપાય છે. સરકારી અધિકારીઓને પણ કોઈ કંપનીના એમડીઝૂંપડા જેવા ઘરમાં રહેતા હોય તે જોઈને આશ્ચર્ય થયું હતું.

આ કેસની તપાસ કરતા એસીપી (સાઈબર ક્રાઈમ) હાર્દિક માકડિયાએ કહ્યું કે અમને ત્યારે ખબર પડી કે કેટલીક ગેંગ આવું વ્યાપક નેટવર્ક ચલાવે છે અને મની લોન્ડરિંગ માટે અત્યંત સાધારણ માણસોના નામ અને ઓળખનો ઉપયોગ કરીને સોદા પાર પાડે છે.

વડોદરામાં તાજેતરમાં લોકોને જંગી વળતર આપવાનું વચન આપીને રૃપિયા પડાવનાર કંપની (શેલ કંપની) છુમંતર થઈ ગઈ હતી. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે કંપનીમાં એમડી અને સીઈઓના પદે એવી વ્યક્તિઓના નામ હતા જેમને હકીકતમાં આવી કોઈ વાતની ખબર પણ ન હતી અને બહુ સાધારણ જીવન જીવતા હતા.

માકડિયાએ જણાવ્યું કે, અમે આ કંપનીઓના સિનિયર મેનેજમેન્ટના સંપર્કની વિગત મેળવી હતી. જુદી જુદી કંપનીઓના આવા બે ડઝન જેટલા સીઈઓની વિગત મેળવાઈ હતી. તપાસકર્તા એજન્સીઓ જ્યારે આ સીઈઓના ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે જે તે વ્યક્તિને પોતાના નામનો ઉપયોગ થયા વિશે ખબર પણ ન હતી.

આ કંપનીઓના સીઈઓતરીકે જેમના નામ અને સરનામા અપાયા હતા તેઓ રસ્તા પર લારી ચલાવતા હતા, રેંકડીમાં ઈંડા વેચતા હતા અથવા રસ્તા પર ઝાડુ મારતા હતા. આ લોકોને ખબર પણ ન હતી કે તેમના નામે બેક્ન ખાતા ખોલાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી.

અધિકારીઓએ કહ્યું કે આવા કૌભાંડ કરતા લોકો સૌથી પહેલા સાવ ગરીબ અને સાધારણ લોકોના ડોક્યુમેન્ટ મેળવે છે, ત્યાર પછી તેમના નામે પ્રાઈવેટ કંપનીઓ બનાવે છે. તેઓ જાણે છે કે આ લોકોને સરળતાથી પરેશાન કરી શકાય છે અને તેઓ વળતી કાર્યવાહી પણ કરી શકતા નથી. એક વખત આ લોકોના નામે બનાવટી કંપનીઓ બની જાય ત્યાર પછી બેક્ન ખાતા ખોલાવીને મની લોન્ડરિંગ કરવામાં આવે છે. મની લોન્ડરિંગ માટે આવા ડઝનબંધ ખાતા ખોલવામાં આવ્યા છે અને પછી ક્રિપ્ટોકરન્સી દ્વારા તેમાં રહેલા નાણાં ચીન ટ્રાન્સફર કરવામાં આવે છે.

(8:10 pm IST)