Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સંયુક્ત પરિવારની મિલકત પ્રેમમાં ભેટમાં ન આપી શકાય : સુપ્રીમ કોર્ટનો આદેશ : આવી મિલકત ફક્ત 'દાન-ધર્મ' માં જ આપી શકાય

હિંદુ પરિવારમાં પિતા કે વડા પૈતૃક સંપત્તિ માત્ર ધાર્મિક કે સામાજિક કાર્ય માટે ભેટ તરીકે આપી શકે : હિંદુ અવિભાજિત પરિવારની વડીલોપાર્જિત મિલકત 'પ્રેમ કે સ્નેહમાં' આપવી એ 'નેક કારણ' ગણાશે નહીં : પરિવારના સભ્યોની સંમતિ વિના ભેટમાં આપેલી મિલકત માન્ય કાનૂની પ્રથાનું ઉલ્લંઘન ગણાય

દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે એક કેસની સુનાવણી કરતી વખતે આદેશ આપ્યો હતો કે અવિભાજિત હિંદુ પરિવારના પિતા અથવા અન્ય કોઈ વ્યક્તિ ફક્ત "નેક હેતુ" માટે જ પૈતૃક સંપત્તિ ભેટ કરી શકે છે. કોર્ટે કહ્યું કે "નેક હેતુ" નો અર્થ કોઈપણ 'દાન-ધર્મ' માટે કરવામાં આવેલી ભેટ છે.

જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ કૃષ્ણા મુરારીની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, "એ માન્યતાપ્રાપ્ત પરંપરા છે કે અવિભાજિત હિંદુ પરિવારના પિતા અથવા અન્ય કોઈ વ્યક્તિ માત્ર ધાર્મિક અથવા અન્ય સામાજિક હેતુઓ માટે જ તેની પૈતૃક સંપત્તિની ભેટ આપી શકે છે." સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે 'કોઈને પ્રેમ અથવા લાગણીથી ભેટ આપવી એ 'નેક હેતુ' માટે હિન્દુ અવિભાજિત પરિવારની પૂર્વજોની મિલકતની ભેટ સમાન નથી.

કોર્ટે કહ્યું કે અવિભાજિત હિંદુ સંયુક્ત કુટુંબ દ્વારા મિલકત માત્ર ત્રણ સંજોગોમાં દૂર કરી શકાય છે, 1- કાનૂની કારણોસર, 2- મિલકતના લાભ માટે અને 3- પરિવારના તમામ સભ્યોની પરસ્પર સંમતિથી. કોર્ટે કહ્યું કે જો સંયુક્ત પરિવારની મિલકત પરિવારના તમામ સભ્યોની સંમતિ વિના કોઈને આપવામાં આવે તો તે સ્વીકૃત કાયદાકીય પ્રથાનું ઉલ્લંઘન છે.

કોર્ટ કેસી ચંદ્રપા ગૌડાની અરજી પર વિચારણા કરી રહી હતી જેમાં તેણે તેના પિતા કેએસ ચિન્ના ગૌડા દ્વારા તેની એક તૃતીયાંશ મિલકત એક છોકરીને ભેટમાં આપવા સામે કોર્ટમાં અરજી કરી હતી. વિવાદિત મિલકત સંયુક્ત કુટુંબની મિલકત હતી.

કોર્ટે ચુકાદામાં કહ્યું કે લાભાર્થી પરિવારનો સભ્ય ન હોવાથી તેના નામે મિલકતનું ટ્રાન્સફર કાયદેસર રીતે માન્ય નથી. ટ્રાયલ કોર્ટે પ્રોપર્ટી ગિફ્ટ કરવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો પરંતુ અપીલ કોર્ટે તેને પલટીને તેને ગેરકાયદેસર જાહેર કર્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે અપીલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો અને હવે સુપ્રીમ કોર્ટે પણ અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

(10:29 pm IST)