Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

દિલ્‍હી ખાતે હનુમાન જયંતિના હિંસા ઉપર ઉતરી આવનાર તોફાની તત્‍વો સામે કેન્‍દ્ર સરકારની લાલ આંખ : મોટી કાર્યવાહી કરી : ગૃહમંત્રી દ્વારા પણ કડક કાર્યવાહીની સુચના

જે પાંચ આરોપીઓ સામે NSAએ લગાવવામાં આવ્યા છે તેમાં અંસારનો પણ સમાવેશ

નવી દિલ્‍હી : દિલ્હીમાં હનુમાન જયંતુએ હિંસા આચરનારા તત્વોની સામે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે.

કેન્દ્રીય કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી હિંસાના પાંચ આરોપીઓ સામે NSAએ લગાવવાનો નિર્ણય કર્યો છે. બાકીના આરોપીઓ સામે પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસને કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

જે પાંચ આરોપીઓ સામે NSAએ લગાવવામાં આવ્યા છે તેમાં અંસારનો પણ સમાવેશ થાય છે, જે મુખ્ય આરોપી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત આરોપી સલીમ, ઈમામ શેખ ઉર્ફે સોનુ, દિલશાદ અને આહિર સામે નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

અમિત શાહે દિલ્હી પોલીસ કમિશ્નરને આપી હતી કડક કાર્યવાહીનો આદેશ

હિંસા બાદ ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાને ફોન કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. અહેવાલ છે કે અમિત શાહે આ દરમિયાન દિલ્હી પોલીસ કમિશ્નરને આરોપીઓ સામે એટલી કડક કાર્યવાહી કરવા માટે કહ્યું હતું કે, કોઈ ફરીથી હિંસા કે હુલ્લડ કરવાનું વિચારશે નહીં. તેમણે આ મામલે ઝડપથી તપાસ થાય તેવા નિર્દેશ પણ આપ્યા હતા. હવે આના એક દિવસ બાદ જ આરોપીઓ સામે નેશનલ સિક્યોરિટી એક્ટ (એનએસએ) લાગુ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.

શું છે NSA એક્ટ?
રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (એનએસએ) અથવા રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ અથવા રસુકા, એક એવો કાયદો છે જેના હેઠળ કોઈ વ્યક્તિને કોઈ ખાસ ખતરાને કારણે અટકાયતમાં લઈ શકાય છે. જો સ્થાનિક વહીવટીતંત્રને કોઈ વ્યક્તિ તરફથી દેશની સુરક્ષા અને શાંતિને જોખમ લાગતું હોય તો તે પહેલા તે વ્યક્તિની ધરપકડ થઈ શકે છે.આ કાયદો વહીવટને મહિનાઓ સુધી કોઈ વ્યક્તિને અટકાયતમાં રાખવાની સત્તા આપે છે.

દિલ્હીના જહાંગીપુરીમાં હનુમાન જયંતિએ થઈ હતી હિંસા
ઉલ્લેખનીય છે કે દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિએ નીકળેલા સરઘસ પર પથ્થરમારો થયો હતો.આ ઘટનામાં ઘણા પોલીસકર્મીઓ અને લોકો ઘાયલ થયા હતા. કોમી હિંસા ભડકાવવાનું આ તોફાનીઓનું મોટુ કાવતરુ હતું. પોલીસે આ કેસમાં અત્યાર સુધી 23 આરોપીની ધરપકડ કરી છે.

(10:49 pm IST)