Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

દિલ્‍હીમાં 15 એપ્રિલની રાત્રીના લાકડીઓ એકઠી કરાઇ : CCTV ફૂટેજ સામે આવ્‍યા : જહાંગીરપુરી હિંસાની એક રાત અગાઉ : પોલીસ ષડયંત્રના એગલથી તપાસ શરૂ કરી

દિલ્હી પોલીસ સ્થાનિક લોકોના નિવેદનો રેકોર્ડ કરશે, જેથી કેસને કોર્ટમાં મજબૂતીથી રાખી શકાય.

નવી દિલ્‍હી: દિલ્હીમાં જહાંગીરપુરી હિંસાની એક રાત પહેલા લાકડીઓ એકઠી કરવામાં આવી હતી. એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે 15 એપ્રિલની રાત્રે લગભગ 2.11 વાગ્યાના છે. ફૂટેજમાં કેટલાક લોકો હુમલા માટે લાકડીઓ એકત્રિત કરતા સ્પષ્ટ દેખાયા હતા. આ ફૂટેજ બાદ જ પોલીસે ષડયંત્રના એંગલથી તપાસ શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે આમાંથી કેટલાક લોકો લાકડીઓ એકઠી કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ પણ તેનો વિરોધ કર્યો હતો. જે બાદ નજીવી અથડામણ પણ થઈ હતી. હવે દિલ્હી પોલીસ  સ્થાનિક લોકોના નિવેદનો રેકોર્ડ કરશે, જેથી કેસને કોર્ટમાં મજબૂતીથી રાખી શકાય.

જોકે, પોલીસે કહ્યું છે કે અમે આ વીડિયોની પણ તપાસ કરી રહ્યા છીએ. તેમજ આ વીડિયોમાં લોકોને માર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલા રમખાણોમાં છ પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં દિલ્હી પોલીસના એક સબ ઈન્સ્પેક્ટર પણ સમાવેશ થાય છે. દિલ્હી પોલીસના સબ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે ભીડમાંથી ગોળી ચલાવવામાં આવી હતી જે તેમને વાગી હતી. તેમણે કહ્યું કે બંને બાજુથી એક-એક હજાર લોકોની ભીડ હતી અને બંને તરફથી પથ્થરમારો થયો હતો.

બ્રિટિશ વડાપ્રધાન ભારત આવી રહ્યા છે, તેથી કેટલાક સ્થાનિકો તેમજ કેટલાક બહારના લોકોએ દેશ અને વડાપ્રધાનની છબીને બગાડવાનો પ્રયાસ કર્યો, હંસ રાજ હંસે પત્રકારોને જણાવ્યું હતું. વડાપ્રધાન ભારતને વિશ્વનો નંબર વન દેશ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેઓ એક આંતરરાષ્ટ્રીય હસ્તી બની ગયા છે. જે લોકો દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરે છે તેઓ શાંતિ અને સૌહાર્દ માટે ખતરો છે અને આ વખતે તેમને બક્ષવામાં આવશે નહીં.

અસ્થાના સાથેની તેમની બેઠકમાં ભાજપના નેતાઓએ જહાંગીરપુરી હિંસાને નિયંત્રિત કરવામાં પોલીસની ભૂમિકાની પ્રશંસા કરી અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી. ગુપ્તાએ કહ્યું કે તેમણે પોલીસ કમિશનરને આ કેસમાં મુખ્ય આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર છે કે કેમ તેની તપાસ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે તેમણે તમામ આરોપીઓના ગેરકાયદેસર ધંધા અને ગુનાહિત પૃષ્ઠભૂમિની તપાસ કરવાની પણ વિનંતી કરી છે.

(11:53 pm IST)