Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ભારતની વિદેશનીતીના રશિયાઅે વખાણ કર્યા: રશિયાના વિદેશ પ્રધાન લાવરોવેઅે આપણા દેશની વિદેશ નીતિની ભરપુર પ્રસંશા કરી : તેમણે વિદેશમંત્રીની પણ પ્રસંશા કરી

રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી રહેલા ભારતે રશિયાને મેડિકલ ઇક્વિપમેન્ટ આપવા માટે સહમતિ દર્શાવી છે

રશિયાને ભારતની વિદેશનીતિ ખૂબ પસંદ પડી છે. રશિયાના વિદેશ પ્રધાન લાવરોવે ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી છે.

લાવરોવે આંતરરાષ્ટ્રીય દબાણમાં આવ્યા વિના પોતાની વિદેશ નીતિ નક્કી કરવાના નિર્ણય બદલ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે એસ જયશંકર ભારતના સાચા દેશભક્ત છે. તેમણે કહ્યું કે રશિયા સાથે વેપાર માટે ભારત પર દુનિયાભરમાંથી દબાણ હોવા છતાં ભારત પોતાના નિર્ણયને વળગી રહ્યું છે અને પોતાની વિદેશ નીતિ બનાવી રહ્યું છે. તે બહુ મોટી વાત છે.

લાવરોવે વધુમાં જણાવ્યું હતું કે, "ભારત તેના વિકાસ અને સુરક્ષા અંગે જે ધારી રહ્યું છે તેના આધારે અમે અમારા દેશ માટે નિર્ણયો લઈ રહ્યા છીએ. ઘણા બધા દેશોમાં આટલી અવાજે બોલવાની હિંમત નથી. રશિયા ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ અને કેટલાક વ્યૂહાત્મક ક્ષેત્રો પર પશ્ચિમી દેશો પર ભરોસો કરી શકે નહીં. અમે એવા તમામ દેશોને સહકાર આપવા તૈયાર છીએ કે જેઓ આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા રશિયા પર લાદવામાં આવેલા અનૈતિક પ્રતિબંધોની પરવા કરતા નથી અને ભારત તેમાંથી એક છે.રશિયા ભારતને જે જોઈએ તે તમામ વસ્તુ આપશે.

ઉલ્લેખનીય છે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી રહેલા ભારતે રશિયાને મેડિકલ ઇક્વિપમેન્ટ આપવા માટે સહમતિ દર્શાવી છે. પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક આર્થિક અને વેપારી પ્રતિબંધો લગાવ્યા છે, જેના કારણે રશિયામાં તબીબી ઉપકરણોની અછત સર્જાઈ રહી છે. આવી સ્થિતિમાં રશિયા ફરી એકવાર ભારત તરફ મદદ માટે જોઈ રહ્યું છે અને ભારત પણ રશિયાની મદદ માટે તૈયાર છે. બંને દેશો વચ્ચે વિનિમય માધ્યમની વાત છે, એટલે કે જેમાં ચલણનો વેપાર કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને દેશો સ્થાનિક ચલણમાં વેપાર કરશે જેમ કે શીત યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યું હતું

(12:11 am IST)