Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ભારતમાં ઘઉંનું ઉત્‍પાદન ૧૧.૧ કરોડ ટનના વિક્રમી સ્‍તરે જોવા મળે તેવી પ્રબળ શકયતા : બિહાર, મધ્‍યપ્રદેશમાં ઘઉંના વાવેતરમાં નોંધપાત્ર વૃધ્‍ધી જોવા મળી

ચાલુ સિઝનમાં 11.1-11.2 કરોડથી નીચા ઘઉં ઉત્પાદનની શક્યતા નહીં

નવી દિલ્‍હી : દેશમાં ઘઉંનું ઉત્પાદન 11.1 કરોડ ટનના વિક્રમી સ્તરે જોવા મળે તેવી શક્યતાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ્ વ્હીટ એન્ડ બાર્લે રિસર્ચના ડિરેક્ટર દર્શાવે છે. તાજેતરમાં પંજાબ અને હરિયાણા જેવા મુખ્ય ઘઉં પકવતાં રાજ્યોમાં તાપમાનમાં ફેરફર છતાં તેઓ વિક્રમી ઉત્પાદનની શક્યતા જોઈ રહ્યાં છે.

જ્યાં પાકનું વાવેતર સમયસર કરવામાં આવ્યું હતું. ત્યાં ઉત્પાદક્તામાં ઘટાડાની કોઈ શક્યતા જણાતી નથી. માત્ર એ વિસ્તારો કે જ્યાં ઘઉંનું વાવેતર વિલંબથી થયું હતું. ત્યાં જ યિલ્ડમાં 2-4 ટકા ઘટાડો સંભવ છે. પંજાબ અને હરિયાણામાં આવો વિલંબિત વાવેતર ધરાવતો વિસ્તાર મર્યાદિત હોવાનું તેઓ જણાવે છે. હોળી બાદ તાપમાનમાં એકદમ વૃદ્ધિ જોવા મળી હતી. જોકે ત્યાં સુધીમાં સમયસર વાવેતર થયું હતું તેવા વિસ્તારમાં પાક પરિપક્વ થઈ ચૂક્યો હતો. જોકે કેટલાક વિસ્તારોમાં ગરમીને કારણે ઘઉંનો પાક સૂકાયો હતો. જોકે સમગ્ર ઉત્પાદનની સામે તેનો હિસ્સો ખૂબ ઓછો હતો. મધ્યપ્રદેશમાં પાકની સ્થિતિ ખૂબ જ સારી હતી. ત્યાં ગરમી આવે તે પહેલાં માર્ચમાં જ પાકની લણણી થઈ ચૂકી હતી. દેશમાં મધ્યપ્રદેશ ઘઉંના વાવેતરમાં બીજા ક્રમે આવે છે.

આ સ્થિતિમાં ચાલુ સિઝનમાં 11.1-11.2 કરોડથી નીચા ઘઉં ઉત્પાદનની શક્યતા નહીં હોવાનું તેઓ જણાવે છે. કેન્દ્રય કૃષિ મંત્રાલયે પણ ફેબ્રુઆરીમાં તેના બીજા એડવાન્સ અંદાજમાં વિક્રમી 11.13 કરોડ ટન ઘઉં પાકવાનો અંદાજ બાંધ્યો હતો. ટૂંક સમયમાં જ મંત્રાલય ત્રીજો એડવાન્સ અંદાજ રજૂ કરશે. 2020-21ની રવી સિઝનમાં ઘઉંનું ઉત્પાદન 10.9 કરોડ ટન પર હતું. 2021-22 રવી સિઝનમાં દેશમાં 343.2 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે ગઈ સિઝનમાં નોંધાયેલા 346.09 લાખ હેક્ટરની સરખામણીમાં સાધારણ નીચું હતું. જોકે સામાન્યરીતે જોવા મળતાં 303.06 લાખ હેક્ટર વિસ્તારની સામે તે ઘણો મોટો વિસ્તાર હતો.

દેશમાં મધ્યપ્રદેશ અને બિહારમાં ઘઉંના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે યુપી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વખતે રવી સિઝનમાં ઘઉં સાથે રાયડા અને ચણા જેવા પાકોએ ઊંચા સ્પર્ધા દર્શાવી હતી. જેને કારણે રાયડાનું તેમજ ચણાનું વિક્રમી વાવેતર નોંધાયું હતું.

કેન્દ્ર સરકારે ચાલુ રવી માર્કેટિંગ સિઝનમાં અત્યાર સુધીમાં 69.24 લાખ ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરી છે. જેનું મૂલ્ય લગભગ રૂ. 14 હજાર કરોડ થવા જાય છે. સત્તાવાર નિવેદનમાં જણાવ્યા મુજબ હાલમાં મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં ઘઉંની ખરીદી ચાલુ છે. એપ્રિલથી માર્ચ દરમિયાન રવી માર્કેટિંગ સિઝન ચાલતી હોય છે. જોકે ઘઉંની ખરીદી એપ્રિલથી જૂન દરમિયાન થતી હોય છે.

(12:16 am IST)