Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

આખરે ઇઝરાયલે ઇરાન ઉપર કર્યો હુમલો

ઇઝરાયલ - ઇરાન ટેન્‍શન ચરમ પર : ઇઝરાયલે આજે ઇરાન ઉપર કર્યો મિસાઇલ હુમલો : અનેક શહેરો ધણધણી ઉઠયા : ઇરાનના ઇસાફાનનાં એરપોર્ટ ઉપર વિસ્‍ફોટો સંભળાયા : ઇરાનના પરમાણુ શસ્‍ત્રો એ વિસ્‍તારમાં છે : સમગ્ર ઇરાનમાં ફલાઇટો કેન્‍સલ : સમગ્ર પશ્‍ચિમ એશિયામાં વધશે તનાવ

વોશીંગ્‍ટન, તા.૧૯: તાજેતરમાં ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. હવે સમાચાર આવ્‍યા છે કે ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરીને ઈરાન પર મિસાઈલોથી હુમલો કર્યો છે. અમેરિકન મીડિયાએ ટોચના અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. ઈરાનના એરપોર્ટ પર જોરદાર વિસ્‍ફોટનો અવાજ સંભળાયો છે. ઈરાનની ફાર્સ ન્‍યૂઝ એજન્‍સીએ પણ દાવો કર્યો છે કે ઈરાનના શહેર ઈસ્‍ફાનના એરપોર્ટ પર વિસ્‍ફોટનો અવાજ સંભળાયો છે. જો કે વિસ્‍ફોટનું કારણ હજુ સુધી બહાર આવ્‍યું નથી. નોંધનીય છે કે ઈરાનના ઘણા પરમાણુ મથકો ઈસ્‍ફાન પ્રાંતમાં સ્‍થિત છે, જેમાંથી ઈરાનમાં યુરેનિયમ સંવર્ધનનું મુખ્‍ય કેન્‍દ્ર પણ અહીં સ્‍થિત છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, ઈરાનના એરસ્‍પેસમાં ઘણી ફ્‌લાઈટ્‍સના રૂટ બદલવામાં આવ્‍યા છે.

હુમલા બાદ ઈરાને તેની એરસ્‍પેસ બંધ કરી દીધી છે. ઈરાની સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરાયેલા ફૂટેજમાં ઈમામ ખોમેની ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર જાહેરાત કરવામાં આવી રહી છે, જેમાં મુસાફરોને કહેવામાં આવ્‍યું છે કે તમામ ફ્‌લાઈટ્‍સ રદ કરવામાં આવી છે. મુસાફરોને એરપોર્ટ છોડી દેવા માટે કહેવામાં આવ્‍યું છે. આ સિવાય તેહરાન આવતા વિમાનોને પણ ડાયવર્ટ કરવામાં આવ્‍યા છે. સરકારી IRNA ન્‍યૂઝ એજન્‍સીના અહેવાલ અનુસાર, ઈસ્‍ફહાન શહેર નજીક વિસ્‍ફોટ બાદ ઈરાનની એર ડિફેન્‍સ બેટરી સક્રિય થઈ ગઈ હતી.

તાજેતરમાં ઈરાને ઈઝરાયેલ પર ૩૦૦ થી વધુ મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. જો કે, આ મિસાઇલો અને ડ્રોન ઇઝરાયલના એર ડિફેન્‍સમાં પ્રવેશી શકયા નથી. વાસ્‍તવમાં દમાસ્‍કસમાં ઈરાનના દૂતાવાસ પર હુમલો થયો હતો. આ હુમલામાં ઈરાનની સેનાના બે ટોચના કમાન્‍ડર સહિત સાત લોકો માર્યા ગયા હતા. ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલ પર આરોપ લગાવ્‍યો હતો. આ હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો. હુમલા બાદ ઈરાને ચેતવણી આપી હતી કે જો ઈઝરાયેલ તેમના પર હુમલો કરશે તો તેઓ વધુ તાકાતથી જવાબ આપશે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્‍ચેના તણાવનો આ મુદ્દો સંયુક્‍ત રાષ્‍ટ્ર સુરક્ષા પરિષદમાં પણ ઉઠાવવામાં આવ્‍યો હતો. સંયુક્‍ત રાષ્‍ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ઈઝરાયલે ઈરાનની સેનાને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગ કરી હતી. આ સાથે જ ઈરાને ઈઝરાયેલને ચેતવણી આપી હતી કે જો તેણે ઈરાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તો તેના પરિણામો ગંભીર આવશે. ઈરાને અમેરિકાને પણ ચેતવણી આપી હતી કે તે બંને દેશો વચ્‍ચે ન આવે. યુએન સેક્રેટરી જનરલે બંને દેશોને આ મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે અપીલ કરી હતી કારણ કે પ?મિ એશિયા બીજા યુદ્ધનો સામનો કરવાની સ્‍થિતિમાં નથી. ઘણા નિષ્‍ણાતોએ આશંકા વ્‍યક્‍ત કરી છે કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બાદ ઈઝરાયેલ-ઈરાન તણાવ સમગ્ર આરબ ક્ષેત્રમાં તણાવ વધી શકે છે.

(10:03 am IST)