Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ઈઝરાયલના મિસાઈલ હુમલાથી શેરબજાર ધડામ

સેન્‍સેકસ ૫૦૦થી વધુ તૂટયો : ૭૨૦૦૦ની અંદર

નવી દિલ્‍હી, તા.૧૯: ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલથી હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી છે, જેના કારણે મોટા પાયે યુદ્ધની સ્‍થિતિ સર્જાઈ છે. ઈરાન સામે ઈઝરાયેલના જવાબી પગલાની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી હતી. સેન્‍સેક્‍સ અને નિફ્‌ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્‍યો છે. શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગમાં જ કડાકો બોલી ગયો હતો. સેન્‍સેક્‍સ આજે ૧૦  કલાકે  ૫૧૪ પોઈન્‍ટ ઘટીને  ૭૧૯૭૪ પર પોઈન્‍ટની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જ્‍યારે નિફ્‌ટી ૧૫૨ થી વધુ પોઈન્‍ટ ઘટીને ૨૧૮૪૩ પર ટ્રેડ કરી રહ્યો છે.

BSE સેન્‍સેક્‍સના તમામ ટોચના ૩૦ શેરોમાંથી, ITC અને Titanના શેરમાં વધારો થયો હતો, પરંતુ બાકીના ૨૮ શેરમાં ઘટાડો થયો છે. આઈફોસિસમાં લગભગ બે ટકાનો ઘટાડો જોવા મળ્‍યો છે. આ સિવાય AXIS, L&T, નેસ્‍લે જેવા શેર પણ ૧.૫૦ ટકાથી વધુ તૂટયા છે. જ્‍યારે NSEના ૧૮૦૦ શૅર્સમાં ઘટાડો છે, જ્‍યારે ૩૪૪માં વધારો જોવા મળી રહ્યો છે.

NSEના ૨,૨૧૪ શેરોમાંથી ૫૩ શેરમાં લોઅર સર્કિટ છે, જ્‍યારે ૪૦માં અપર સર્કિટ છે. ૧૫ શેરો ૫૨ સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા છે. બેન્‍ક નિફ્‌ટીમાં આજે લગભગ ૩૦૦ ટકાનો ઘટાડો થયો છે, જ્‍યારે મિડકેપ અને સ્‍મોલકેપ સૂચકાંકોમાં ૧૫૦ પોઈન્‍ટ સુધીનો ઘટાડો થયો છે. આ સિવાય આજે નિફ્‌ટીના તમામ સેક્‍ટરમાં જોરદાર ઘટાડો જોવા મળ્‍યો છે. ઓટોથી લઈને આઈટી, હેલ્‍થકેર અને ઓઈલમાં ૧ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્‍યો છે.

કયા શેરોમાં મોટો

ઘટાડો જોવા મળ્‍યો?

સૌથી વધુ ઘટતા શેર્સની વાત કરીએ તો, NBCC India ૩ ટકા, ટાટા કોમ્‍યુનિકેશન લગભગ ૫ ટકા, Nykaa ૩ ટકા, HPCL લગભગ ૩ ટકા, BPCL ૩.૩૯ ટકા, કેનેરા બેન્‍ક ૨.૮૯ ટકા અને ICICI પ્રુડેન્‍શિયલ ૩.૭૨ ટકા ઘટયા છે.

(11:02 am IST)