Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ઈઝરાયેલની મિસાઈલ પડી... ઈરાન આ વાત સ્‍વીકારવા તૈયાર નથી

ઈરાને કોઈપણ પ્રકારના હુમલાનો ઈન્‍કાર કર્યો છે : ડ્રોન હુમલાથી કોઈ અસર થઈ નથી : ઈરાને એવો પણ દાવો કર્યો હતો કે તેણે ઈઝરાયેલના હુમલાની માહિતી મળ્‍યા બાદ અનેક ડ્રોન તોડી પાડ્‍યા હતા

નવી દિલ્‍હી, તા.૧૯: ઈઝરાયેલ અને ઈરાન વચ્‍ચે તણાવ વધી ગયો છે. અહેવાલ છે કે એક અઠવાડિયા પછી, ઇઝરાયેલે ઇરાન સામે જવાબી કાર્યવાહી કરી છે અને ઇસ્‍ફહાન સહિત ઘણા વિસ્‍તારોમાં મિસાઇલો છોડી છે. જો કે ઈરાને દુશ્‍મન દેશના હુમલાનો સ્‍પષ્ટ ઈન્‍કાર કર્યો છે. ઈરાનના એક અધિકારીએ ન્‍યૂઝ એજન્‍સી રોઈટર્સને જણાવ્‍યું કે ઈરાન વિરુદ્ધ કોઈ મિસાઈલ હુમલો કરવામાં આવ્‍યો નથી. તેણે દાવો કર્યો હતો કે ઈરાનની એર ડિફેન્‍સ સિસ્‍ટમના કારણે ઈસ્‍ફહાનમાં બ્‍લાસ્‍ટનો અવાજ સંભળાયો હતો. ઈસ્‍ફહાન કે દેશના કોઈપણ ભાગમાં બહારથી કોઈ હવાઈ હુમલો થયો નથી. ઈરાને એવો પણ દાવો કર્યો હતો કે તેણે ઈઝરાયેલના હુમલાની માહિતી મળ્‍યા બાદ અનેક ડ્રોન તોડી પાડ્‍યા હતા. એક અમેરિકન અધિકારીએ જણાવ્‍યું કે ઇઝરાયલે ડ્રોન વડે ઈરાનના એક બેઝ પર હુમલો કર્યો. બાદમાં ઈરાને કોઈપણ મિસાઈલ હુમલાનો ઈન્‍કાર કર્યો હતો અને કહ્યું હતું કે તેણે તેની એરસ્‍પેસમાં ઉડતા ત્રણ ડ્રોનને તોડી પાડ્‍યા હતા. અમેરિકાના એક અધિકારીએ એબીસી ન્‍યૂઝને જણાવ્‍યું કે ઈઝરાયેલે શુક્રવારે ઈરાનમાં એક સ્‍થળ પર ડ્રોન હુમલો કર્યો હતો.

વાસ્‍તવમાં, છેલ્લા કેટલાક દિવસોથી, ઈરાને ઈઝરાયેલને ઘેરવા માટે ઓલઆઉટ એટેક શરૂ કર્યો હતો, જેના પછી મધ્‍ય પૂર્વમાં મોટા પાયે સંઘર્ષની શકયતા વધી ગઈ હતી. ઈરાને ૧૩ એપ્રિલની વહેલી સવારે ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. ઈરાને ઈઝરાયેલ પર ૩૦૦ થી વધુ વિવિધ પ્રકારના ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં કિલર ડ્રોનથી લઈને બેલિસ્‍ટિક મિસાઈલો અને ક્રુઝ મિસાઈલોનો સમાવેશ થાય છે. આ હુમલા બાદ તરત જ ઈઝરાયેલની સેનાએ એર ડિફેન્‍સ સિસ્‍ટમને સક્રિય કરી દીધી હતી. આ પહેલા ૧ એપ્રિલના રોજ ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્‍કસમાં ઈરાનના વાણિજ્‍ય દૂતાવાસ પર હુમલો કર્યો હતો.

એક ઈરાની અધિકારીએ ન્‍યૂઝ એજન્‍સી રોઈટર્સને જણાવ્‍યું હતું કે મધ્‍ય ઈરાનના શહેર ઈસ્‍ફહાનમાં એરપોર્ટ નજીક વિસ્‍ફોટો સાંભળવામાં આવ્‍યા હતા, પરંતુ તે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી સાથે સંબંધિત અવાજો હતા. તે જ સમયે, ઇઝરાયેલની સેનાએ કહ્યું કે અમે આ વિશે અત્‍યારે કંઇ કહી શકીએ નહીં

સીરિયા અને ઈરાકમાં વિસ્‍ફોટના અહેવાલો છે. સીરિયાના રાજ્‍ય મીડિયાએ એક સૈન્‍યસ્ત્રોતને ટાંકીને જણાવ્‍યું હતું કે ઇઝરાયેલી મિસાઇલોએ સીરિયાના દક્ષિણમાં હવાઈ સંરક્ષણ ચોકીઓને નિશાન બનાવી હતી. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં સવારથી જ મિસાઈલો આકાશમાં રોશની કરતી જોવા મળી રહી છે.

(3:15 pm IST)