Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

સ્કોટલેન્ડના પ્રવાસન સ્થળ પર ૨ ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા : ચાર મિત્રો સાથે પ્રવાસન સ્થળની મુલાકાતે આવ્યા હતા તે દરમિયાન એક કરૂણ અકસ્માત સર્જાતા વિદ્યાર્થીઓ પાણીમાં પડ્યા હતા

બંને વિદ્યાર્થીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને તે પછી મૃતદેહોને ભારત પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

નવી દિલ્હી તા.૧૯ :અમેરિકા બાદ હવે સ્કોટલેન્ડથી ભારતીયો માટે ખરાબ સમાચાર આવ્યા છે. સ્કોટલેન્ડમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. બંને વિદ્યાર્થીઓની ઉંમર 26 અને 22 વર્ષની હતી. બંને વિદ્યાર્થીઓના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા. સ્કોટલેન્ડના પ્રવાસન સ્થળ પર ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા. બુધવારે રાત્રે બંનેના મૃતદેહ ટુમેલ વોટરફોલના લિનમાંથી મળી આવ્યા હતા. આ ધોધ સ્કોટલેન્ડના ઉત્તર-પશ્ચિમમાં છે જ્યાં ગેરી અને ટુમેલ નદીઓ મળે છે. આ વિદ્યાર્થીઓ તેમના અન્ય ચાર મિત્રો સાથે પ્રવાસન સ્થળની મુલાકાતે આવ્યા હતા, તે દરમિયાન એક કરૂણ અકસ્માત સર્જાયો હતો.

વિદ્યાર્થીઓ પાણીમાં પડ્યા હતા

મળતી માહિતી મુજબ ચાર મિત્રો ટ્રેકિંગ માટે ટુમેલ વોટરફોલના લિન તરફ ગયા હતા. દરમિયાન બે વિદ્યાર્થીઓ પાણીમાં પડી ગયા હતા અને ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. મૃતક વિદ્યાર્થીઓના મિત્રોએ ઈમરજન્સી સર્વિસને ફોન કર્યો હતો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતનો ભોગ બનેલા બંને વિદ્યાર્થીઓ સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ ડુંડીમાંથી માસ્ટર્સ કરી રહ્યા હતા.

ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, “બુધવારની રાત્રે 26 વર્ષીય જીતેન્દ્રનાથ કરુતુરી અને 22 વર્ષીય ચાણક્ય બોલિસેટ્ટી ટુમેલના લિનમાં વહી ગયા હતા.” બંને વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે, આ સિવાય બીજું કોઈ કારણ જણાતું નથી.” આ દુર્ઘટના બાદ ડુંડી યુનિવર્સિટીએ તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

મૃતદેહને ભારત મોકલવામાં આવશે

લંડનમાં ભારતીય હાઈ કમિશનના એક અધિકારીએ જણાવ્યું કે બે વિદ્યાર્થીઓના મૃતદેહ ધોધમાંથી નીચેથી મળી આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ભારતીય કોન્સ્યુલેટ જનરલે બંને વિદ્યાર્થીઓના પરિવારજનોનો સંપર્ક કર્યો છે. દૂતાવાસના પ્રતિનિધિએ બ્રિટનમાં રહેતા એક વિદ્યાર્થીને પણ મળ્યા છે. શુક્રવારે બંને વિદ્યાર્થીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને તે પછી અધિકારીએ આ પછી મૃતદેહોને ભારત પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

(5:00 pm IST)