Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સરકાર ત્રણ બાબત પર ધ્યાન આપે

કોરોનાને કઇ રીતે હરાવવો ? અર્થતંત્રને કઇ રીતે દોડતુ કરવું ? ચીનને લડાખથી કઇ રીતે ભગાડવું ?

સરકારે આ ત્રણેય બાબતે ડોકયુમેન્ટ તૈયાર કરવું જોઇએ : સ્વામી

નવી દિલ્હી તા. ૧૯ : ભાજપાના સીનીયર નેતા અને રાજ્યસભા સંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટવીટ કરીને સરકારને ત્રણ મહત્વના સવાલોના જવાબ શોધવા કહ્યું છે. સ્વામીએ કહ્યું કે, હવે સરકારે કોરોનાને કેવી રીતે હરાવવો, અર્થ વ્યવસ્થાને કેવી રીતે ઠીક કરવી અને ચીનને લદ્દાખમાંથી કેવી રીતે ભગાડવું તેનું એક ડોકયુમેન્ટ તૈયાર કરવું જોઇએ.

સોમવારે સ્વામીએ ટવીટ કરીને લખ્યું સમય આવી ગયો છે કે, સરકારે વિશ્લેષકોને ત્રણ કાર્યાન્વયન યોગ્ય દસ્તાવેજ તૈયાર કરવા કહેવું જોઇએ. (૧) કોરોના વાયરસ પર કેવી રીતે જીત મેળવવી (ર) ગબડી રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને કેવી રીતે બચાવી શકાય અને જીડીપીને વાર્ષિક ૧૦ ટકાના દરથી કેવી રીતે આગળ વધારી શકાય. (૩) ચીનને લદ્દાખમાંથી કેવી રીતે ખદેડી શકાય. પણ હાલમાં સરકાર પાસે આમાંથી એકની પણ તૈયારી નથી.

સ્વામીના આ ટવીટ પર યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું 'તમે જ તે તૈયાર કરીને મોદી સરકારને આપી દો. આખરે તો એ તમારા પક્ષની જ સરકાર છે અને તેને તમારા ટેકાની જરૂર છે.' આનો જવાબ આપતા સ્વામીએ કહ્યું, 'હું ૨૦૧૪ના નવેમ્બરથી આવું કરી રહ્યો હતો. મેં નવેમ્બર ૨૦૧૯માં હાર માની લીધી કેમકે ના તો મોદી અર્થશાસ્ત્ર સમજે છે અને ના તો તેના કોઇ સહયોગીને તેની માહિતી છે. એટલે તેને અભેરાઇએ ચડાવી દેવાયું છે.'

(12:55 pm IST)