Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

યુએસમાં વાવાઝોડા સૈલીએ આતંક મચાવ્યો : ભારે તબાહી

દરિયા કિનારે હજારો બોટનો કચ્ચરઘાણ વળી ગયો : ફ્લોરિડા-અલબામામાં ૬.૫૦ લાખ ઘરોમાં વીજળી ગુલ

ફ્લોરિડા, તા. ૧૮ : અમેરિકામાં સૈલી વાવાઝોડએ કાળો કેર પાથરી દીધો છે. ફ્લોરિડા અને અલબામામાં પહોંચેલા સૈલીને કારણે ૬.૫૦ લાખ ઘરોની વીજળી ડુલ થઈ ગઈ છે. વાવાઝોડામાં એક વ્યક્તિ મૃત્યુ પામી છે જ્યારે દરિયાકિનારે નાના જહાજ અને બોટનો તો કચ્ચરઘાણ વળી ગયો છે. ક્રિસ્ટોફર કોલંબસના જહાજની નકલ એવું જહાજ ગુમ થઈ ગયું છે. તે ફ્લોરિડાના પેનસાકોલા કિનારે ઊભું હતું. હવામાન વિભાગ અનુસાર હાલ વાવાઝોડું કેટેગરી-૨નું છે. તેના લીધે ફ્લોરિડા અને અલબામામાં ૧૬૫ કિમીની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. બંને રાજ્યોમાં ૨૪ કલાકમાં આશરે ૨૦ ઈંચ વરસાદ પણ થયો હતો. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. લાખો ઘરોની છત પડી ગઈ છે. અલબામાના ગલ્ફ સ્ટેટ પાર્કમાં ૨૦૦ કરોડ રૂપિયામાં બનાવેલો નવો પુલ તૂટીને વરસાદમાં તણાઈ ગયો હતો. એક દિવસ બાદ જ તેનું ઉદઘાટન થવાનું હતું. અધિકારીઓએ જણાવ્યું કે અલબામાના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી આશરે ૪૦૦ લોકોને બચાવાયા હતા. અલબામાના શહેરી ક્ષેત્રોમાં અનેક ઘરોને વૃક્ષો પડતાં ભારે નુકસાન થયું છે. આ ઘરોમાં હજુ અનેક લોકો ફસાયેલા છે. બચાવ ટુકડીના સભ્યો તેમને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે.

(12:00 am IST)