Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

પંજાબના સી.એમ. બનવા માટે અંબિકા સોનીએ નનૈયો ભણ્યો

સ્વાસ્થ્યનું કારણ આપ્યુ સાથોસાથ આ પદ પર શીખને મુકવા સમર્થન કર્યુ : હાલ કોંગ્રેસના દિગ્ગજો નવજોતસિંહ સિંધુ : પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનિલ જાખડ અને સુખજિંદરસિંહ રંધાવાના નામ સી.એમ.ની ખુરશી માટે ચર્ચાઇ રહ્યા છે

ચંડીગઢ: પંજાબના ચંડીગઢમાં આજે કોંગ્રેસે વિધાયક દળની બેઠક બોલાવી હતી જો કે હવે તે રદ થઈ છે. પંજાબ કોંગ્રેસના મહાસચિવ પ્રગટ સિંહે કહ્યું કે બધુ કોંગ્રેસ હાઈ કમાન પર નિર્ભર છે. CLP બેઠક ગઈ કાલે યોજાઈ હતી અને મેન્ડેટ આપી દેવાયું છે. CLP ની બીજી બેઠકની કોઈ જરૂર નથી. આ બાજુ જેના નામની ચર્ચા હતી તે અંબિકા સોનીએ સીએમ બનવાની ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે સીએમ કોઈ શીખ હોવા જોઈએ.

સૂત્રોના જણાવ્યાં મુજબ મોડી રાતે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને થયેલી બેઠકમાં અંબિકા સોનીએ પંજાબના રાજકારણમાં આવવાની ના પાડી દીધી. તેમણે પોતાના આ નિર્ણય પાછળ સ્વાસ્થ્યને પણ કારણભૂત ગણાવ્યું. પાર્ટીના તમામ લોકોએ અંબિકા સોનીને આ પદ વારંવાર સંભાળવા માટે કહ્યું અને કહ્યું કે તમારા નામ પર સરળતાથી સહમતી બની જશે અને સર્વસંમતિથી બધા સ્વીકારી લેશે પરંતુ અંબિકા સોનીએ ના પાડી દીધી. કહેવાય છે કે સોનિયા ગાંધીના કવરમાંથી પંજાબના નવા મુખ્યમંત્રીનું નામ નીકળશે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનિલ જાખડ અને સુખજિંદર સિંહ રંધાવાના નામ સીએમ પદની રેસમાં સૌથી આગળ છે.

અત્રે જણાવવાનું કે કેપ્ટન અમરિન્દર સિંહે શનિવારે પંજાબના સીએમ પદેથી રાજીનામું આપી દીધુ હતું. તેમણે કહ્યું કે મને અપમાનિત કરવામાં આવ્યો. વિધાયક દળની બેઠક મને જાણકારી આપ્યા વગર બોલાવવામાં આવી.

રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાન સાથે છે શું હું તેને સ્વીકાર કરીશ? સિદ્ધુ બાજવા સાથે છે શું હું તેનું સમર્થન કરીશ? જે વ્યક્તિ એક મંત્રાલય ચલાવી શકતો નથી તે રાજ્ય શું ચલાવશે? સિદ્ધુ પંજાબ માટે તબાહી સાબિત થશે. ઈમરાન ખાન અને બાજવા સિદ્ધુના મિત્ર છે. પાકિસ્તાનથી દરરોજ ડ્રોન અને ગ્રેનેડ આવે છે. જો સિદ્ધુને સીએમ બનાવવામાં આવે તો હું વિરોધ કરીશ. મારી કોઈ પણ પાર્ટી સાથે વાત થઈ નથી

(12:01 pm IST)