Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં દેશમાં ચોમાસુ સક્રિય રહેશે

ભારતીય હવામાન વિભાગનો રિપોર્ટ : સપ્ટેમ્બર દરમિયાન દેશમાં જેટલો પણ વરસાદ પડશે તેનાથી દેશનું આ વર્ષે ચોમાસુ સામાન્ય ગણાશે : સપ્ટેમ્બરમાં ૩૩.૪% વધુ વરસાદ નોંધાયો છે

નવી દિલ્હી,તા.૧૯ : હવામાન વિભાગ દ્વારા એવી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે દેશમાં શુક્રવારથી ધીરે-ધીરે ચોમાસાની વિદાય શરૂ થશે. પણ, બંગાળની ખાડીમાં એક પછી એક લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હવે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે સપ્ટેમ્બરના અંત સુધી દેશમાં ચોમાસુ સક્રિય રહેશે. સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં ૩૩.૪% વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે આખા ચોમાસા દરમિયાન વરસાદની જે ખોટ હતી તે પૂરી કરવામાં મદદ મળશે. દેશમાં આ વર્ષે વરસાદમાં ૪%ની ખોટ અને ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વરસાદની ૧૦% ખોટ પૂરી કરવામાં સપ્ટેમ્બરના વરસાદથી મદદ મળશે. સપ્ટેમ્બર દરમિયાન દેશમાં જેટલો પણ વરસાદ પડશે તેનાથી દેશનું આ વર્ષે ચોમાસુ 'સામાન્ય' ગણાશે. ભારતીય હવામાન વિભાગના એક રિપોર્ટ અનુસાર, શનિવારથી એક ચક્રવાત સર્ક્યુલેશન ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર અસર કરવાની શરૂઆત કરશે.

         જ્યારે અન્ય એક સિસ્ટમથી ૨૫ સપ્ટેમ્બરથી ૪થી ૫ દિવસનો વરસાદ શરૂ થશે. દેશમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસુ પાછું નહીં ખેંચાય કારણકે પશ્ચિમ બંગાળની ખાડી પર ૨ ચક્રવાતની રચના થઈ રહી છે. ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું કે સપ્ટેમ્બર ૨૮ની આસપાસ પશ્ચિમ બંગાળની ખાડી પર અન્ય સિસ્ટમ રચાઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

           હાલ, ઉત્તર મધ્ય પ્રદેશ અને તેનાથી સંલગ્ન દક્ષિણ ઉત્તર પ્રદેશ પર લૉ પ્રેશરની રચના થઈ રહી છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં બહોળા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં આગામી ૩ દિવસમાં જ્યારે ગુજરાતમાં રવિવારથી વરસાદ વધશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ રાજ્યમાં હાલ મેઘરાજેએ કરેલી જમાવટમાં ૨૩.૬૭ ઈંચ સાથે આ વર્ષે ચોમાસામાં સરેરાશ ૭૧.૬૩% વરસાદ થયો છે, જોકે, હજુ પણ રાજ્યમાં ૨૦% વરસાદની અછત વર્તાઈ રહી છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે હજુ પણ કેટલાક ગામો અસરગ્રસ્ત છે. ૮ સ્ટેટ હાઈવે, ૭૭ પંચાયત અને ૪ અન્ય સહિત કુલ ૮૯ માર્ગ હજુ પણ બંધ હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે ૨૩ ગામોમાં હજુ સુધી વીજ પુરવઠો પહોંચ્યો નથી. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ અંગે જરુરી કામગીરી કરવા આવી રહી છે.

(7:35 pm IST)