Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

હવે ઘરે બેઠા બનાવી શકાશે ડ્રાઇવીંગ લાયસન્‍સ

હવે આરટીઓની ૫૮ સેવાઓ કરાઇ ઓનલાઇન

નવી દિલ્‍હી, તા.૧૯: હવે તમને ડ્રાઇવીંગ લાયસન્‍સ બનાવવા માટે આરટીઓના ધક્કા ખાવામાંથી છૂટકારો મળી શકે છે. બહાર પાડેલ નોટીફીકેશનમાં કહ્યુ છે કે ટ્રાન્‍સપોર્ટ સંબંધી ડુપ્‍લીકેટ ડ્રાઇવીંગ લાયસન્‍સ, લર્નીગ લાયસન્‍સ માટે અરજી, કંડકટર લાયસન્‍સ, ડ્રાઇવીંગ લાયસન્‍સ રીન્‍યુઅલ, ડ્રાઇવીંગ લાયસન્‍સમાં સરનામુ  ફેરવવું, વાહન રજીસ્‍ટ્રેન, પરમીટ, વાહનની માલીકી બદલાવવી સહિતની કુલ ૫૮ સેવાઓને ઓનલાઇન કરવાનો નિર્ણય લીધો છે. આના માટે મંત્રાલયે ગત ૧૬ તારીખે એક નોટીફેકેશન બહાર પાડયુ હતું.

મંત્રાલયે પોતાના નોટીફીકેશનમાં કહ્યું છે કે હવે આરટીઓમાં થતા મોટા ભાગના કામ ઓનલાઇન કરી દેવાયા છે. તેનાથી આરટીઓનો બોજ પણ ઘટશે અને લોકોને આરટીઓના ધક્કા ખાવામાંથી છૂટકારો મળશે. પહેલા આરટીઓ સાથે સંકળાયેલી ૧૮ સેવાઓ જ ઓનલાઇન ઉપલબ્‍ધ હતી, જે હવે વધારીને ૫૮ કરી દેવાઇ છે. લોકો પોતાનું આધાર વેરીફીકેશન ના કરાવવા માંગતા હોય તેઓ પહેલાની જેમ આરટીઓમાં જઇને પોતાનું કામ કરાવ શકશે. સરકારના આ પગલાથી લોકોનો ઘણો સમય બચશે. મંત્રાલયનું કહેવુ છે કે ઓનલાઇન સેવાઓ ઉપલબ્‍ધ થવાથી લોકોને કોન્‍ટેકટલેસ અને ફેસલેસ સુવિધા મળશે એટલું જ નહી આરટીઓનો બોજ પણ ઘટશે. જણાવી દઇએ કે આ પહેલા લોકોને નાની નાની બાબતો માટે આરટીઓના કેટલાય ધક્કા ખાવા પડતા હતા. મંત્રાલયની આ પહેલથી લોકોને મળતી સેવાઓ વધારે સુવિધાજનક બનશે.

(1:37 pm IST)