Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

છ મહિનામાં સોનું છ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ જેટલું સસ્‍તુ

નવી દિલ્‍હી, તા.૧૯: રોકાણકારોનો ડોલરમાં રસ સોનાના ભાવ પર પ્રતિકૂળ અસર કરી રહ્યો છે. આ સાથે સ્‍થાનિક બજારમાં સોનાની માંગ ઘટવાના કારણે પણ સોનું નબળું પડી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભારતીય બજારમાં સોનાના ભાવમાં લગભગ ૧૫૦૦ રૂપિયા એટલે કે લગભગ ત્રણ ટકાનો ઘટાડો થયો છે.

અમેરિકામાં વધતી જતી મોંઘવારીને જોઈને દુનિયાભરના રોકાણકારો રોકાણ કરવામાં સાવધ છે. યુએસમાં ફુગાવા અંગે ગયા અઠવાડિયે જાહેર કરાયેલા આંકડા અપેક્ષા કરતા વધુ ખરાબ નીકળ્‍યા છે. ફુગાવાના આ આંકડા બહાર આવ્‍યા બાદ આ ચર્ચાએ જોર પકડ્‍યું છે કે ફેડરલ રિઝર્વ આ સપ્તાહે વ્‍યાજદરમાં વધારો કરી શકે છે. આ કારણોસર રોકાણકારો અન્‍ય માર્ગો કરતાં ડોલરમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. ડોલરમાં રોકાણકારોનો રસ સોનાના ભાવ પર પ્રતિકૂળ અસર કરી રહ્યો છે. આ સાથે સ્‍થાનિક બજારમાં સોનાની માંગ ઘટવાના કારણે પણ સોનું નબળું પડી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભારતીય બજારમાં સોનાના ભાવમાં લગભગ ૧૫૦૦ રૂપિયા એટલે કે લગભગ ત્રણ ટકાનો ઘટાડો થયો છે.

યુએસમાં ફુગાવાના આંકડા જાહેર થયા બાદ બજારના નિષ્‍ણાતો માને છે કે ફેડરલ રિઝર્વ એક સપ્તાહમાં વ્‍યાજદરમાં સો બેસિસ પોઈન્‍ટ્‍સ અથવા લગભગ એક ટકાનો વધારો કરી શકે છે. આ આશંકા વચ્‍ચે, ડૉલર ઇન્‍ડેક્‍સ સતત મજબૂત થઈ રહ્યો છે અને તેના કારણે પીળી ધાતુમાં રોકાણકારોની રુચિ ઘટી રહી છે. આ સ્‍થિતિને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે, ગોલ્‍ડ એમસીએક્‍સ પર ગોલ્‍ડ ફયુચર્સ ૦.૩ ટકા ઘટીને રૂ. ૪૯,૨૩૭ પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. સોનાના ભાવ માટે આ લગભગ છ મહિનામાં સૌથી નીચું સ્‍તર છે. તે જ સમયે MCX પર ચાંદી રૂ. ૫૬,૮૨૦ પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી, જે લગભગ સ્‍થિર છે.

વિશ્વ બજારમાં સોનાના ભાવમાં નબળાઈ જોવા મળી રહી છે. યુએસ સોનાના હાજર ભાવમાં છેલ્લા ટ્રેડિંગ દિવસમાં લગભગ $૧૬૬૭.૮૫ (૦.૪૨%) પ્રતિ ઔંસનો ઘટાડો જોવા મળ્‍યો હતો. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ નરમાશ જોવા મળી રહી છે. હાજર ચાંદીના ભાવ પણ નબળા દેખાતા હતા. હાજર ચાંદી ૦.૨૨ ટકા ઘટીને ૧૯.૩૬ ડોલર પ્રતિ ઔંસ રહી હતી.વૈશ્વિક બજારની કારોબારી મૂવમેન્‍ટની અસર દેશના બુલિયન માર્કેટ પર પણ પડી રહી છે. દેશમાં સોનાના ભાવમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. ઓક્‍ટોબર એક્‍સપાયરી સાથે MCX ગોલ્‍ડ ફયુચર્સ ૦.૩૮ ટકા ઘટીને રૂ. ૪૯,૧૯૦ પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ ડિસેમ્‍બર એક્‍સપાયરી સાથેના ચાંદીના વાયદામાં ૦.૧૩ ટકાનો નજીવો વધારો છે. હાલમાં તે રૂ. ૫૬,૭૯૬ પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા છ મહિનામાં સોનું સરેરાશ ૬,૦૦૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

કેન્‍દ્ર સરકારે તાજેતરમાં સોનાની આયાત પરની ડ્‍યુટી ૭.૫ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં સોનાની માંગને નિયંત્રિત કરવા માટે સરકારે આ પગલું ભર્યું છે. સરકાર દ્વારા આયાત ડ્‍યુટી વધારવાના નિર્ણયને કારણે સ્‍થાનિક બજારમાં સોનાની માંગમાં ઘટાડો થયો છે. તેના કારણે પણ દેશના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે ભારત વિશ્વમાં સોનાની આયાત કરતો બીજો સૌથી મોટો દેશ છે. આવી સ્‍થિતિમાં ઈમ્‍પોર્ટ ડ્‍યૂટીમાં વધારાને કારણે દેશમાં સોનાની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

(4:28 pm IST)