Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

લ્યો કરો વાત ! પોલીસ સ્ટેશનમાંથી ૨૫ લાખની ચોરી : ૬ સસ્પેન્ડ

પોલીસ કર્મચારીઓ ઉંઘતા હતા અને રાતે ચોર ટોળકી ત્રાટકી : તિજોરીમાં રાખવામાં આવેલ ૨૫ લાખની કેશ ચોરીને ચોર ફરાર

આગરા,તા.૧૯: ઉત્ત્।ર પ્રદેશના આગરાના એક પોલીસ સ્ટેશનમાં ચોરીની ઘટના સામે આવી છે. અહીં ચોરોએ પોલીસ સ્ટેશનની તિજોરી તોડી ચોરી કરી હતી. પ્રાપ્ત જાણકારી મુજબ, ચોરોએ શનિવારની રાતે જગદીશપુરા પોલીસ સ્ટેશનની તિજોરીના પાંચ દરવાજા તોડીને ૨૫ લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ દરમિયાન રાતે પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારી સહિત છ પોલીસકર્મી ઊંઘતા હતા. રવિવારે સવારે જયારે ઉચ્ચ અધિકારીઓને જાણ થઈ તો એડીજી અને એસએસપી સહિત અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ કાર્યવાહી કરીને ઈન્સપેકટર સહિત છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.

ચોરીની જાણ ત્યારે થઈ કે જયારે જદીશપુરા પોલીસ સ્ટેશનની તિજોરીની દેખરેખ રાખતા પ્રતાપભાન રવિવારે સવારે નવ વાગે ડ્યૂટી પર પહોંચ્યા. જયારે તેઓએ તાળુ ખોલીને અંદર જોયુ તો સામાન અસ્ત વ્યસ્ત હતો. બોકસના તાળા તૂટેલા હતા. તેઓએ બોકસ ખોલીને જોયુ તો અંદર રહેલાં ૨૫ લાખ રૂપિયા ગાયબ હતા. એડીજીએ જણાવ્યું કે, જે જગ્યાએ આ ચીજવસ્તુ રાખવામાં આવી હતી એનો એક દરવાજો અને બારી પાછળના ભાગે પણ છે. જે હંમેશા બંધ રહે છે. આ દરવાજા અને બારી તોડીને ચોરોએ ચોરી કરી હતી.

આશંકા છે કે ચોરો બંધ રહેતો દરવાજો તોડીને માલખાનામાં ઘુસ્યા હતા. આ મામલે અજાણ્યા શખ્સો વિરૂદ્ઘ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ચોરીના મામલે ક્રાઈમ બ્રાંચ, સર્વેલન્સ અને એસઓજી સહિતની અનેક ટીમો તપાસ કરી રહી છે. એસએસપી મુનિરાજે જણાવ્યું કે, પોલીસ સ્ટેશનનો એક દરવાજો પાછળની સાઈડે છે. જે હંમેશા બંધ રહે છે. આ ગેટની અંદર પોલીસ સ્ટેશનનો પાછળનો ગેટ અને બારી છે. ચોરોએ પહેલાં બારી ખોલવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન થતા તેઓએ તાળુ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.

બાદમાં ચોર બોકસનું તાળુ તોડીને ૨૫ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. આ કેશ ૧૩ ઓકટોબરના રોજ આવાસ કોલોનીના સેકટર ત્રણમાં રહેતા રેલવેના કોન્ટ્રાકટર પ્રેમચંદના ઘરેથી ચોરીની ઘટનાના ખુલાસામાં આરોપી પાસેથી કબજે કરવામાં આવી હતી. આ રકમ તેણે સોનું વેચીને પોતાની પાસે રાખી હતી. જે અંગે ચોરની ફરિયાદ પણ દાખલ થઈ હતી. રેલવેના કોન્ટ્રાકટરના ઘરમાં ચોરીના ખુલાસામાં પોલીસે ૨૪ લાખ કેશની સાથે ૩.૯૬ ગ્રામ સોનાની બિસ્કીટ પણ કબજે કરી હતી. હવે પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

(10:17 am IST)