Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ચાઇનાના મોબાઇલથી થતી જાસૂસી અટકાવવા ભારતમાં નવા નિયમો લાગુ થશે

ચીનથી આવતા મોબાઇલ અને તેમાં ઇન્સ્ટોલ કરાયેલી એપ્લિકેશન દ્વારા જાસૂસી થઇ રહી હોવાની સરકારને શંકા

નવી દિલ્હી તા. ૧૯ : ભારતમાં મેડ ઇન ચાઇના વસ્તુઓનું પ્રમાણ વધી રહ્યું છે સાથે તેના જોખમ પણ એટલા જ રહ્યા છે. હવે એવા અહેવાલો છે કે ભારતમાં જે ચીનના મોબાઇલ છે તેના દ્વારા મોબાઇલ વડે જાસુસી કરવામાં આવી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે કેટલાક નવા નિયમો ઘડવાની તૈયારી શરૂ કરી દીધી છે.

ખાસ કરીને ચીનથી આવતા સ્માર્ટફોન અને તેમાં ઇન્સ્ટોલ કરાયેલી એપ્લિકેશન ભારતીય યૂઝર્સની જાસુસી માટે તો ઉપયોગમાં નથી લેવાઇ રહીને તેની ચકાસણી ચાલી રહી છે. આ જાણકારી મેળવવા માટે નવા નિયમો લાગુ કરવાની સરકાર તૈયારી કરી રહી છે. નવા નિયમો અનુસાર મોબાઇલ હેન્ડસેટના ટિયર-ડાઉન એટલે કે ફોનના બધા જ પાર્ટ્સની તપાસ અને ઇન-ડેપ્થ ટેસ્ટિંગ ફરજિયાત બનાવવામાં આવી શકે છે.

એટલે કે ચીનથી આવતા મોબાઇલની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે અને તે પછી જ તેને માર્કેટમાં મુકવામાં આવે તેવી શકયતાઓ છે. સરકાર ટેલિકોમ ઇકિવપમેંટ અને નેટવર્કિંગ પ્રોડકટ્સના સુત્રોએ જણાવ્યું હતું કે કંપનીઓની એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેનાથી કથિત સાયબર જાસૂસીની તપાસ કરવામાં મદદ મળશે. એવા અહેવાલો છે કે સરકારે આ પગલુ ચીનની મોટી કંપનીઓ જેવી કે હુવાવે અને ઝેટડીઇને ટેલિકોમ નેટવર્કિંગના સંવેદનશીલ ક્ષેત્રથી દુર રાખવા માટે લીધુ હોઇ શકે છે.  આ નિયમ માત્ર ચીની કંપનીઓ જ નહીં પુરી ઇન્ડસ્ટ્રી પર લાગુ થઇ શકે છે. અને તેમાં ચીનની બનાવટની પ્રોડકટ્સ પર વધુ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત ચીનની કંપનીઓ માટે સરકાર વિશેષ નિયમો પણ લાગુ કરવાની તૈયારીમાં છે.

(10:20 am IST)