Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ટૂરિસ્‍ટ ડેસ્‍ટિનેશન્‍સ થઇ ગયા હાઉસફૂલ

કોરોનાથી કંટાળેલા લોકો મૂડ અને વાતાવરણ બદલવા - હવાફેર કરવા નીકળવા લાગ્‍યા

લોનાવલા, ઇગતપુરી, મહાબળેશ્વર, કેરલા, ગોવા, રાજસ્‍થાન, લેહ-લદાખ, કાશ્‍મીર, યુરોપ, રશિયા અને આઇસલેન્‍ડ તેમનાં ફેવરિટ સ્‍થળો છે

નવી દિલ્‍હી તા. ૧૯ : કોવિડને કારણે દેશના ટૂરિઝમ બિઝનેસ પર કાળાં વાદળો ઘેરાયાં હતાં. લોકડાઉન અને સરકારનાં નિયંત્રણો વચ્‍ચે લોકો ઘરની બહાર નીકળતા નહોતા. જોકે કોવિડનાં નિયંત્રણોમાં હળવાશ થતાં જ ટૂરિઝમ ઇન્‍ડસ્‍ટ્રીમાં ફરીથી એક વાર ધમધમાટ શરૂ થઈ ગયો છે. મુંબઈના ઘરના બંધિયાર વાતાવરણમાંથી કંટાળેલા લોકો છેલ્લા થોડા મહિનાથી હવાફેર માટે પરિવાર સાથે તેમની નજીકના લોનાવલા, ઇગતપુરી, મહાબળેશ્વર અને મહારાષ્ટ્રની બહાર કેરલા, ગોવા, રાજસ્‍થાન, લેહ-લદાખ અને કાશ્‍મીર જઈ રહ્યા છે. એને પરિણામે આ બધાં જ પર્યટનોનાં સ્‍થળોએ અને એમાં પણ મુખ્‍યત્‍વે રાજસ્‍થાન અને કાશ્‍મીરમાં તો દિવાળીના સમયમાં હોટેલો હાઉસફુલ થવાના આરે પહોંચી ગઈ છે.
વર્લ્‍ડવાઇડ ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સનાં ફોરમ શાહે કહ્યું હતું કે ‘કોવિડની પહેલી વેવના લોકડાઉન સમયે જ મને પૂરો આત્‍મવિશ્વાસ હતો કે ટૂરિઝમ ક્ષેત્રે ક્‍યારેય મંદી આવશે નહીં અને મુંબઈનું જનજીવન થાળે પડતાં જ લોકો ફરવા નીકળશે. છેલ્લા થોડા મહિનાથી લેહ-લદ્દાખ, કાશ્‍મીર, આંદામાન-નિકોબાર, સિક્કિમ, રાજસ્‍થાન ફરવા લોકો બહુ જ જઈ રહ્યા છે. કાશ્‍મીરમાં અત્‍યારથી જ ફાઇવસ્‍ટાર હોટેલો ફુલ થવા લાગી છે. લોકો વેક્‍સિનના બે ડોઝ લીધા પછી કોઈ પણ જાતના ભય વગર ઘરની બહાર નીકળ્‍યા છે અને ફરવા જઈ રહ્યા છે. દેશની બહાર યુરોપ, રશિયા, આઇસલેન્‍ડની સારી ડિમાન્‍ડ છે. હવે દુબઈની ટૂરો પણ શરૂ થઈ ગઈ છે.'
અમુક લોકો કાશ્‍મીર બાબતમાં ભય ફેલાવે છે, પરંતુ હકીકતમાં કાશ્‍મીર ફરવા જવાની ડિમાન્‍ડ ખૂબ જ વધી ગઈ છે એમ જણાવતાં રાજા રાણી ટ્રાવેલ્‍સના અભિજિત પાટીલે કહ્યું હતું કે ‘કાશ્‍મીરમાં છેલ્લા આતંકવાદી હુમલા પછી લોકલ કાશ્‍મીરીઓ કેન્‍ડલ સાથે રોડ પર આવી ગયા હતા. ટૂરિસ્‍ટો કાશ્‍મીરના લોકોની મુખ્‍ય આવક છે. તેથી તેઓ કોઈ પણ સંજોગોમાં કાશ્‍મીરનાં ટૂરિસ્‍ટ સ્‍થળો પર કોઈ જ પ્રકારનો અણબનાવ બને એના વિરોધી છે. તેમને ખબર છે કે જો ટૂરિસ્‍ટ સ્‍થળો પર કોઈ ટૂરિસ્‍ટને મામૂલી ઈજા પણ થશે તો ટૂરિસ્‍ટો કાશ્‍મીર આવતા બંધ થઈ જશે. એટલે કાશ્‍મીર ટૂરિસ્‍ટો માટે પૂરું સુરક્ષિત છે જેને કારણે હમણાં કાશ્‍મીરની ટૂરિસ્‍ટોમાં બહુ જ ડિમાન્‍ડ છે. એની સાથે ટૂરિસ્‍ટોમાં કેરળ અને રાજસ્‍થાનની પણ એટલી જ ડિમાન્‍ડ છે અને અત્‍યારથી બુકિંગમાં ધસારો છે.'
અમારા કાશ્‍મીરમાં ટૂરિસ્‍ટોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમ જણાવતાં કાશ્‍મીરમાં વર્ષોથી ટ્રાવેલિંગ ઇન્‍ડસ્‍ટ્રી સાથે સંકળાયેલા વાયન ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સના નઈમ વજીરે કહ્યું હતું કે ‘કાશ્‍મીરમાં અત્‍યારે સૌથી વધારે ટૂરિસ્‍ટો ગુજરાતમાંથી આવી રહ્યા છે. બીજા નંબરે બંગાળ  છે અને ત્રીજા નંબરે મુંબઈ. મુંબઈના ટૂરિસ્‍ટોએ હમણાં જ આવવાની શરૂઆત કરી છે, પણ ઓવરઓલ કાશ્‍મીરમાં ટૂરિસ્‍ટો બિન્‍દાસ આવવા લાગ્‍યા છે. અહીં આર્મીએ કાશ્‍મીરને પૂરું સુરક્ષિત કર્યું છે. ફરવાનાં બધાં જ સ્‍થળો પર ટૂરિસ્‍ટો નિર્ભય બનીને હરીફરી રહ્યા છે.'
ગોવાની ડિમાન્‍ડ તો લોકડાઉનના સમયમાં પણ હતી એમ જણાવતાં વર્ષો જૂની ટ્રાવેલિં્‌ગ કંપની ક્‍લાસિક હોલિડેઝના પાર્ટનર સુરેશ દોશીએ કહ્યું હતું કે ‘ગોવામાં પુરજોશમાં લોકો ફરવા જઈ રહ્યા છે. ગોવામાં હળવાં નિયંત્રણો હોવાથી ટૂરિસ્‍ટોની ડિમાન્‍ડ ગોવા માટે પહેલા દિવસથી જ રહી છે.'
લોકો ઘરમાં એટલી હદે કંટાળ્‍યા છે કે હવે બસ તેમને તેમનો મૂડ બદલવા, વાતાવરણ બદલવા હવાફેર કરવા અને ફરવા જવું જ છે એમ જણાવતાં એલઆઇટી હોસ્‍પિટેલિટીના માલિક પ્રસન્ન સૂરિએ કહ્યું હતું કે ‘રાજસ્‍થાન અને ઉત્તરાંચલમાં ફરવા જવા માટે ડિમાન્‍ડ સારી નીકળી છે. દિવાળી પહેલાં જ એટલી બધી ડિમાન્‍ડ છે કે દિવાળીના દિવસોમાં તો રાજસ્‍થાન હાઉસફુલ થઈ જશે. કેરળમાં હજી પણ કોવિડના કેસો હોવાથી ટૂરિસ્‍ટો એના પર પસંદગી કરતાં પહેલાં થોડાં ડરે છે, પણ રાજસ્‍થાન અને ઉત્તરાંચલ સુરક્ષિત હોવાથી લોકો એના પર પહેલી પસંદગી ઉતારે છે.'

 

(10:38 am IST)