Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ફેબ ઈન્ડિયાએ જાહેરાતમાં દિવાળીને જશ્ન-એ-રિવાજ નામ આપતાં લોકોમાં રોષ

કપડાંનું વેચાણ કરતી કપંની તેની જાહેર ખબરને લીધે ફસાઈ : સોશિયલ મીડિયા પર કંપનીના બોયકોટનો ટ્રેન્ડ શરૂ થયા બાદ કંપનીની સાન ઠેકાણે આવી અને કંપનીએ આ પ્રકારની જાહેરખબર હટાવી લીધી હતી

નવી દિલ્હી, તા.૧૯ : કપડાનુ વેચાણ કરતી કંપની ફેબ ઈન્ડિયાએ દિવાળી માટે પોતાની જાહેર ખબરમાં *જશ્ન રિવાઝ* શબ્દનો ઉપયોગ કર્યા બાદ લોકો ભડકી ઉઠયા છે. સોશિયલ મીડિયા પર કંપનીના બોયકોટનો ટ્રેન્ડ શરૂ થયા બાદ કંપનીની સાન ઠેકાણે આવી છે અને કંપનીએ પ્રકારની જાહેરખબર હટાવી લીધી છે.

ફેબ ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર જાહેર ખબર ટ્વિટ કરી હતી. જેમાં મોડેલ્સને દિવાળી કલેક્શન માટેના વસ્ત્રો સાથે બતાવાયા હતા અને સાથે કંપનીએ લખ્યુ હતુ કે, ફેબ ઈન્ડિયાનુ *જશ્ન રિવાઝ* કલેક્શન છે અને તે ભારતીય સંસ્કૃતિની ખૂબસુરતીને દર્શાવે છે. જોકે યુઝર્સને દિવાળી માટે વપરાયેલો *જશ્ન રિવાઝ* શબ્દ પસંદ આવ્યો નહોતો.

લોકોનુ કહેવુ હતુ કે, હિન્દુ તહેવાર માટે વિધર્મી શબ્દ ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. લોકોએ ફેબ ઈન્ડિયાની આકરી ઝાટકણી કાઢી હતી અને જાત જાતની કોમેન્ટસનો મારો ચલાવ્યો હતો. જેના પગલે બોયકોટ ફેબ ઈન્ડિયા ટ્રેન્ડિંગ થવા માંડ્યુ હતુ. બીજી તરફ ભાજપના સાંસદ અને યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ કહ્યુ હતુ કે, દિવાળી *જશ્ન રિવાઝ* નથી. હિન્દુ તહેવારોને જાણી જોઈને બીજા ધર્મનો કલર અપાઈ રહ્યો છે. જે મોડેલ્સ જાહેરખબરમાં દર્શાવ્યા છે તેમણે પણ પરંપરાગત કપડા પહેર્યા નથી.

પછી કંપનીએ પોસ્ટ હટાવી દીધી છે. જોકે પહેલો કિસ્સો નથી જ્યારે હિન્દુ તહેવારોની જાહેરાત પર વિવાદ થયો હોય. પહેલા તનિષ્કની એક જાહેર ખબરને લઈને કંપની પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો હતો.

(7:04 pm IST)