Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

આર્યને દેશ માટે કંઈક કરીને ગર્વ અપાવવાની ખાતરી આપી

ડ્રગ્સ કેસમાં પકડાયેલા આર્યનનું જેલમાં કાઉન્સિલિંગ : એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ સ્ટાર પુત્રનું જેલમાં કાઉન્સિલિંગ કરાવ્યાની વાતને સમર્થન આપ્યું

મુંબઈ, તા.૧૯ : થોડા દિવસ પહેલા સમાચાર હતા કે, આર્યન ખાને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ના કાઉન્સિલિંગ સેશનમાં કહ્યું હતું કે, તે ભવિષ્યમાં ગરીબ બાળકોની મદદ કરશે અને એનસીબીને ગર્વનો અનુભવ કરાવશે. એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આર્યન ખાને કહ્યું હતું કે તે દેશ માટે કંઈક કરીને તેમને ગર્વ અપાવશે. પરંતુ વાનખેડે તેમ પણ કહ્યું હતું કે 'તે માત્ર એક વ્યક્તિ નથી જેનું અમે કાઉન્સિલિંગ કર્યું હોય. અમે ડ્રગ્સ દ્વારા ગેરમાર્ગે દોરાયેલા તમામ લોકોને સુધારવા માટે અને તેમને તેમાથી બહાર લાવવા માટે તેમજ દેશ માટે કંઈક સારુ કરે તે માટે કાઉન્સિલિંગ કરીએ છીએ. અમને કવાયતનું પરિણામ મળ્યું છે.

એક પ્રખ્યાત વ્યક્તિ કે જે બહાર ગયો છે અને બાંદ્રાના લોકોની સેવા કરી રહ્યો છે. સમીર વાનખેડેએ તેવો ખુલાસો પણ કર્યો હતો કે, એનસીબી આરોપીઓ માટે તેમની માન્યતાઓના આધારે આધ્યાત્મિક માર્ગદર્શન પણ આપે છે. તેમણે કહ્યું હતું કે 'અમારો હેતુ તેમને દેશની સેવા કરવા તરફ વાળવાનો, સમાજની મુખ્યધારામાં સુધારણા કરવાનો અને પુનર્વસન માટે પ્રેરિત કરવાનો છે'. એક દિવસ પહેલા, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના (એનસીપી) મંત્રી નવાબ મલિકે, આર્યન ખાને આર્થર રોડ જેલમાં તેના વર્તન બદલ 'પસ્તાવો' વ્યક્તિ કર્યો હોવાના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના કેટલાક અધિકારીઓના દાવાઓને સાબિત કરવાની માગ કરી હતી. નવાબ મલિકે તેમના નિવેદનમાં 'આર્યન ખાને આવું ક્યારે કહ્યું?' અને 'શું એનસીબીની ટીમ આર્થર રોડ જેલ?' ગઈ હતી તેવા કેટલાક સવાલ કર્યા હતા.

આગળ તેમણે કહ્યું હતું કે, એનસીબીએ તેમના કાઉન્સિલિંગ સેશનના વીડિયો રજૂ કરવા જોઈએ. તેમણે તેવો આરોપ પણ લગાવ્યો હતો કે, એનસીબી બનાવટી કહાણીઓ ઘડી રહ્યું છે. ઉલ્લેખનીય છે, મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી થવાની હોવાની માહિતી મળ્યા બાદ એનસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. દરોડામાં ટીમે આર્યન ખાન તેમજ અન્ય ૭ની ધરપકડ કરી હતી.

(7:08 pm IST)