Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજ્યસભા ચૂંટણીને પડકારતી અરજી સ્વીકારી : કોંગ્રેસ નેતા ગૌરવ પંડયાએ હાઇકોર્ટના ચુકાદાને પડકાર્યો

સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકરને નોટિસ પાઠવી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકરને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યસભા ચૂંટણીને પડકારતી અરજીઓ સ્વીકારી લીધી છે. સાથે જયશંકરનો જવાબ માંગ્યો છે.

સીનિયર એડવોકેટ હરિશ સાલ્વેએ વિદેશમંત્રી વતી આ નોટિસ સ્વીકારી છે. હવે જયશંકર નોટિસનો જવાબ આપશે. સુપ્રીમ કોર્ટ આવી અન્ય અરજીઓની એક સાથે સુનાવણી કરશે.

ગત વર્ષે ગુજરાત હાઇકોર્ટે કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યાની અરજીને ફગાવી દીધી હતી. કોંગ્રેસ નેતાએ રાજ્યસભા માટે જયશંકરની વરણીને પડકારી હતી.

 

હાઇકોર્ટે ભાજપ ઉમેદવાર જુગલ જી ઠાકોરની પસંદગી સામે કોંગ્રેસ નેતાઓ ચંદ્રિકા ચુડાસમા અને પરેશ ધાનાણી દ્વારા દાખલ કરાયેલી અન્ય બે અરજીઓ પણ ફગાવી દીધી હતી.

જયશંકર અને જુગલ ઠાકોરે કોંગ્રેસ ઉમેદવારે અનુક્રમે ગૌરવ પંડ્યા અને ચંદ્રિકા ચુડાસમાને પેટા ચૂંટણીમાં પરાજિત કર્યા હતા. કોંગ્રેસ નેતાઓએ હાઇકોર્ટમાં તેમની ચૂંટણીને પડકારી હતી.

અરજીમાં દાવો કરાયો હતો. ચૂંટણી પંચે બે ખાલી બેઠકોને બે અલગ શ્રેણીની માની અલગથી પેટા ચૂંટણી કરાવવા જાહેરનામુ પાડ્યું હતું. જે ગેરકાયદેસર અને બંધારણની જોગવાઇઓ, લોકપ્રતિનિધિ ધારા 1951 અને ચૂંટણી નિયમોનોના સંચાલન 1961નું ઉલ્લંઘન છે.

જ્યારે વિદેશમંત્રી જયશંકરે પણ કેવિએટ અરજી દાખલ કરી છે. તેમનું કહેવું છે કે ગત વર્ષે રાજ્યસભા માટે તેમની ચૂંટણી સામે કોંગ્રેસના એક નેતાની અરજી પર કોઇ આદેશ આપતા પહેલાં સુપ્રીમ કોર્ટ તેમના પક્ષને પણ સાંભળે.

અરજીમાં તેમણે કહ્યું છે કે ગુજરાત હાઇકોર્ટના 4 ફેબ્રુઆરીના આદેશ સામે દાખલ કરાયેલી અરજી પર કોઇ ચુકાદો આપતા પહેલાં તેમનો પક્ષ સાંભળવામાં આવે.

(12:00 am IST)