Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

દિવાળી બાદ ફૂટયો કોરોના બોમ્બ

રાજકોટમાં ૪ દિ'માં ૨૩ મોત : આજે સવારે ૪૦ કેસ

૧૬,૭૧૧ ઘરોમાં સર્વે : ધરમનગર કવાર્ટર, ચુડાસમા પ્લોટ, સરદારનગર, રાણી પાર્ક, ગોવિંદનગર, જીમખાના રોડ, પ્રણામી પાર્ક, ભારતીનગર, ઘનશ્યામનગર સહિતના વિસ્તારોમાં ટેસ્ટીંગ : આજ સુધીમાં ૯૮૨૧ કેસ : ૯૦૪૬ સાજા થયા : રિકવરી રેટ ૯૧.૮૨ ટકા થયો : આજે ૬૮ ડિસ્ચાર્જ થયા

રાજકોટ તા. ૧૯ : દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં જબરી ભીડ જામી હતી. આથી હવે કોરોના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. તહેવારો દરમિયાન છેલ્લા ૪ દિવસમાં ૨૩ લોકોનો ભોગ કાળમુખા કોરોનાએ લઇ લીધો છે. જ્યારે આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૦ પોઝિટિવ કેસ નોંધાતા મ.ન.પા.ના તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

આ અંગે મ.ન.પા.ની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૦ પોઝિટિવ કેસ નોંધાતા આજ સુધીના કુલ ૯૮૯૧ કેસ શહેરમાં નોંધાયા છે. તેની સામે ૯૦૪૬ લોકો સાજા થયા છે. તેથી રિકવરી રેટ ૯૧.૮૨ ટકા સુધી પહોંચ્યો છે. આજે ૬૮ લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. આજે શહેરમાં કુલ ૧૬૭૧૧ ઘરોનો સર્વે કરાયો હતો અને શહેરના ધરમનગર કવાર્ટર, સંજયનગર, ભોજલરામ, આર્યનગર, ઘનશ્યામનગર, ભારતીનગર, રાણી પાર્ક, જીવરાજ પાર્ક, જલારામ સોસાયટી, ભારતીનગર સહિતના વિસ્તારોમાં ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ૧૧૦ જેટલા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત કરાયા હતા.

૪ દિ'માં ૨૩ મોત

દરમિયાન તહેવારોના છેલ્લા ૪ દિવસમાં કોરોનાને કારણે ૨૩ જેટલા વ્યકિતઓના મોત નિપજ્યા હતા. જેમાં સોમવારે ૫, મંગળવારે - ૮, બુધવારે ૩ અને આજે ગુરૂવારે ૭નાં મોત નિપજ્યા હતા.

(2:49 pm IST)