Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

તહેવારો પૂર્ણ થતાં જ કેસનો વિસ્ફોટ

દિલ્હીમાં કોરોના 'આઉટ ઓફ કંટ્રોલ' : ૨૪ કલાકમાં ૧૩૧ મોત : આજે સર્વપક્ષીય બેઠક

નવી દિલ્હી,તા.૧૯:દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાનો વિસ્ફોટ ચાલુ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૪૮૬ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૧૩૧ લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દિલ્હીમાં એક જ દિવસે કોરોનાથી થયેલા મૃત્યુનો રેકોર્ડ પણ તૂટ્યો છે. આ અગાઉ દિલ્હી સરકારના ૧૨ નવેમ્બરના હેલ્થ બુલેટિનમાં ૨૪ કલાકમાં ૧૦૪ લોકોના મૃત્યુ નોંધાયા હતા.

દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૭૯૪૩ લોકોના મૃત્યુ થઈ ચૂકયા છે. જયારે ૪૨,૪૫૮ એકિટવ કેસ છે. દિલ્હીમાં કોરોનાના દર્દીઓનો આંકડો ૫ લાખ પાર ગયો છે. રાજધાની દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા ૫૦૩૦૮૪ થઈ ગઈ છે.

આ અગાઉ મંગળવારે દિલ્હીમાં ૬૩૯૬ નવા કેસ નોંધાયા હતા. જયારે ૯૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દિલ્હીમાં કોરોનાથી થનારા મૃત્યુનો દર અને ઝડપથી વધી રહેલા કેસના આંકડા અત્યંત ચોંકાવનારા છે.

દિલ્હીમાં કોરોનાના વધતા કેસ જોતા કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ પણ મોકલ્યો છે. ભીડભાડવાળા બજારો બંધ કરવામાં આવે. આ સાથે જ દિલ્હી સરકારે લગ્ન સમારોહમાં ૨૦૦દ્ગક જગ્યાએ માત્ર ૫૦ મહેમાનોને મંજૂરી આપવાનો પણ નિર્ણય લીધો છે.

આ બાજુ દિલ્હીમાં કોરોનાની કથળતી સ્થિતિ જોતા કેન્દ્ર સરકારે પણ પોતાના સ્તરે તૈયારીઓ કરી લીધી છે અને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવાયું કે દિલ્હીમાં હોમ આઈસોલેશનમાં પણ વધુ  દર્દીઓ છે. સવાર-સાંજ ડોકટર્સ તેમના હાલચાલ ફોન કે વીડિયો કોલથી પૂછે છે અને તેને વધુ સુદૃઢ કરવામાં આવશે. સંક્રમિત લોકોના કોન્ટેકટ ટ્રેસિંગ બાદ તેમના પર ચાંપતી નજર રાખવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઓળખ બાદ તેમને નિશ્યિત રીતે આઈસોલેશનમાં મોકલવાની યોજના છે. દિલ્હીમાં તેને પહોંચી વળવા માટે સંસાધન અને વિશેષજ્ઞ એમસીડી, ડીએમ અને અન્ય સંસાધનોથી આવશે.

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદીયાએ કહ્યું કે દિલ્હીમાં ૯૦ ટકા આઈસીયુ બેડ ભરેલા છે. કેન્દ્ર પાસેથી ૨૫૦ આઈસીયુ બેડની પહેલી ખેપ જલદી મળશે. તેમણે જણાવ્યું કે દિલ્હીને કેન્દ્ર પાસેથી ૭૫૦ આઈસીયુ બેડ મળશે. હાલ દિલ્હીમાં ૨૬ હજાર કોરોના સંક્રમિત હોમ આઈસોલેશનમાં છે. દિલ્હીમાં કોરોનાના ૧૬ હજાર બેડ છે.

દિલ્હીમાં કોરોનાના વધતા પ્રકોપને જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સર્વદળીય બેઠક પણ બોલાવી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોના નેતાઓને આમંત્રણ અપાયું છે. સવારે ૧૧ વાગે બોલાવવામાં આવેલી આ બેઠક દિલ્હી સચિવાલયમાં યોજાશે.

(12:04 pm IST)