Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ડોક્‍ટરોએ આંતરડા કાપીને બનાવ્‍યું જનનાંગઃ હવે પતિની સાથે રહી શકશે યુવતી

કિંગ જયોર્જ મેડિકલ કોલેજ (KGMU)ના ડોક્‍ટરોએ એક યુવતીને નવું જીવન આપ્‍યું : હરદોઈની એક ૨૦ વર્ષની યુવતીને ગુપ્‍તાંગ નહોતું

લખનઉ,તા.૧૯: કિંગ જયોર્જ મેડિકલ કોલેજ (KGMU)ના ડોક્‍ટરોએ એક યુવતીને નવું જીવન આપ્‍યું છે. કેજીએમયુના યુરોલોજી વિભાગના પ્રો. વિશ્વજીત સિંહ અને તેમની ટીમે બાળકીના શરીરમાં તેના આંતરડાના ટુકડામાંથી ગુપ્તાંગ બનાવ્‍યું છે જે પહેલા ત્‍યાં નહોતું. હરદોઈની એક ૨૦ વર્ષની યુવતીને ગુપ્તાંગ નહોતું. લગ્ન નક્કી થઈ ગયા. છોકરાના માતા-પિતાને આ વાતની જાણ થયા બાદ છોકરીના માતા-પિતાને પણ ડર હતો કે લગ્ન પછી ખબર પડશે તો પતિ તેને સાથે રાખશે કે નહીં. જેના કારણે આખો પરિવાર તણાવમાં હતો. આ સમસ્‍યાનો ઉકેલ લાવવા માટે છોકરીનો પરિવાર કિંગ જયોર્જ મેડિકલ કોલેજના યુરોલોજી વિભાગમાં પહોંચ્‍યો હતો. અહીં તપાસમાં જાણવા મળ્‍યું કે તે આનુવંશિક રીતે સ્ત્રી જન્‍મે છે, પરંતુ ગર્ભાશય અને અન્‍ય આંતરિક અંગો નથી.

પિરિયડ પણ આવતો નથી. આના પર તેમનું કાઉન્‍સેલિંગ કર્યા બાદ સર્જરીનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. પ્રોફેસર વિશ્વજીતે જણાવ્‍યું કે તેમની ટીમે પહેલા તેમના આંતરડામાંથી ૧૦ સેમીનો ટુકડો કાઢ્‍યો અને તેમાંથી ગુપ્તાંગ બનાવ્‍યું. તબીબી વિજ્ઞાનમાં તેને સિગ્‍મોઇડ વેજીનોપ્‍લાસ્‍ટી કહેવામાં આવે છે.

જનનેન્‍દ્રિય બનવા છતાં આ મહિલા ક્‍યારેય બાળકને જન્‍મ આપી શકશે નહીં. કિંગ જયોર્જ મેડિકલ કોલેજના પ્રોફેસર વિશ્વજીતે જણાવ્‍યું કે એક પત્‍ની તરીકે તે પોતાના પતિની દરેક ઈચ્‍છા પૂરી કરી શકશે. પરંતુ બાળકને જન્‍મ આપી શકશે નહીં. કારણ કે આ પ્રકારની સર્જરી પછી બાળકને જન્‍મ આપવો ખૂબ મુશ્‍કેલ છે. ડોક્‍ટરોએ કહ્યું કે બે મહિનામાં સર્જરીના ડાઘ પણ ગાયબ થઈ જશે. આ સર્જરીમાં ડોક્‍ટરોએ લગભગ ૮ કલાક જેટલો સમય લગાવ્‍યો હતો. જે બાદ હવે દર્દીને રજા આપવામાં આવી છે. અન્‍ય તબીબો પણ તબીબોની આ કામગીરીના વખાણ કરી રહ્યા છે.

(11:26 am IST)