Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

લોકો જાણે છે કે એક પાગલ માણસે ચાર વર્ષમાં પાકિસ્તાનને કેટલું નુકસાન પહોંચાડ્યું :ઇમરાન પર નવાઝ શરીફનો કટાક્ષ

તેમણે કહ્યું કે-ઈમરાન ખાને પાકિસ્તાનમાં જે પરિસ્થિતિ બનાવી હતી, અમે વિનાશના આરે પહોંચી ગયા હતા.

પાકિસ્તાનમાં સત્તાધારી પક્ષ મુસ્લિમ લીગ (એન)ના નેતા નવાઝ શરીફે ઈમરાન ખાનની પાછલી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, લોકો જાણે છે કે એક પાગલ માણસે ચાર વર્ષમાં પાકિસ્તાનને કેટલું નુકસાન પહોંચાડ્યું છે

લંડનમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નવાઝ શરીફને પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાનની મુશ્કેલીઓ માટે જનરલ બાજવા અને જનરલ ફૈઝ હમીદ જવાબદાર છે?

આના પર તેમણે હસીને જવાબ આપ્યો, “હા, તમે બધા જાણો છો. બધાને ખબર છે. હવે કોઈનો ચહેરો અથવા નામ છૂપાયેલા નથી. તેમણે પાકિસ્તાનને પોતાની મનામાની મરજીથી ચલાવ્યું છે. આ મૂલ્ક સાથે ખુબ જ ખરાબ મજાક કરવામાં આવ્યો છે. ”

નવાઝ શરીફે પત્રકારોને ઈમરાન ખાનના ચાર વર્ષના કાર્યકાળની તુલના તેમના યુગ સાથે કરવાનું કહ્યું હતું.

નવાઝ શરીફે ઈમરાન ખાનના કાર્યકાળ વિશે કહ્યું હતું કે, “તેમના ચાર વર્ષની સરખામણી મારા ચાર વર્ષ સાથે કરો. લોકો પોતે જ જોઈ લેશે કે અમારા સમયમાં કેવી સ્થિતિ હતી, લોકો કેટલા સમૃદ્ધ હતા અને આજે તેમના ચાર વર્ષમાં લોકો કેટલા કંગાળ છે.” પાકિસ્તાનને આ સંકટમાંથી બહાર કાઢવા માટે સરકાર પર અંકુશ મેળવી લીધો છે.”

તેમણે કહ્યું કે, “તેણે (ઈમરાન ખાને) પાકિસ્તાનમાં જે પરિસ્થિતિ બનાવી હતી, અમે વિનાશના આરે પહોંચી ગયા હતા.”

નવાઝ શરીફે કહ્યું કે ઈમરાન ખાન વડાપ્રધાન હતા ત્યારથી તેઓ આ મુદ્દા ઉઠાવી રહ્યા છે. તેમણે ગુજરાવાલા રેલીની પણ યાદ અપાવી હતી.

ઑક્ટોબર 2020માં ગુજરાંવાલામાં એક રેલીમાં, નવાઝ શરીફે તત્કાલિન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા પર તેમને સત્તા પરથી હટાવવાનો અને ઈમરાન ખાનને ચૂંટણીમાં ધાંધલધમાલ કરીને સત્તામાં લાવવાનો આરોપ મૂક્યો હતો.

તેમણે કહ્યું, “આપણા દેશ સાથે જે ક્રૂર વ્યવહાર કરવામાં આવ્યો છે તે જણાવવાની મારી જવાબદારી છે. તેને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે અને તેને ઠીક કરવાની જવાબદારી પણ અમારી છે.

(12:20 am IST)