Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ઘરમાં કે રસોડામાં વંદાના ત્રાસથી છુટકારો મેળવવા ઘરગથ્‍થુ ઉપચાર અજમાવી શકાય

લવિંગ, લીમડો, કેરોસીન, બેકિંગ સોડા, તજના પતા જેવી વસ્‍તુઓની પેસ્‍ટ કે સ્‍પ્રેનો ઉપયોગ કરી વંદાને દૂર કરી શકાય

નવી દિલ્‍હીઃ રસોઈ ઘર એટલે કિચન આપણા ઘરનો સૌથી મહત્વનો ભાગ હોય છે. જેને હંમેશા સાફ રાખવામાં આવે છે. રોજ સાફ-સફાઈ પછી પણ ઘરના કેટલાંક ભાગમાં વંદા આવી જાય છે. એવામાં અનેક લોકો ધ્યાન રાખવા છતાં પોતાના ઘરમાં અડિંગો જમાવી બેઠેલા દુશ્મનોનો નિકાલ કરી શકતા નથી. એવામાં જો તમે પણ સમસ્યાથી પરેશાન છો તો કેટલાંક ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરીને તેનાથી છૂટકારો મેળવી શકો છો.

બીમારી ફેલાવે છે વંદા:

માનવામાં આવે છેકે વંદાના કારણે લોકોને બીમારીઓનો ખતરો રહે છે. એવામાં જો તમે ઘર અને કિચનમાં રહેલા વંદાનથી છૂટકારો મેળવવા માગો છો તો તમારે અલર્ટ રહેવાની સાથે અમારી વાત પણ માનવી પડશે.

1. લવિંગ અને લીમડાનો ઉપાય:

લવિંગની તીવ્ર વાસથી વંદા ભાગી જાય છે. તેના માટે લગભગ 20થી 25 લવિંગને વાટી નાંખો. હવે તેમાં લીમડાના તેલના કેટલાંક ટીપા નાંખીને તેનો સ્પ્રે કરો. તેની સાથે તમે લવિંગના પાવડરને લીમડાના તેલમાં મિક્સ કરીને તેને વંદા જ્યાંથી આવતા-જતા હોય ત્યાં મૂકી શકો છો.

2. ફૂદીનાના તેલ અને મીઠાનો ઉપાય:

ફૂદીનાના તેલમાં મીઠું અને પાણી મિક્સ કરીને વંદા આવતાં હોય તે જગ્યા પર સ્પ્રે કરી દો. તેનાથી વંદા ફરી તમારા ઘરમાં નહીં આવે.

3. કેરોસીનનો ઉપયોગ:

આજકાલ શહેરોમાં કેરોસીન મળતું નથી. પરંતુ તેમ છતાં જો તમને ક્યાંયથી કેરોસીન મળી જાય તો વંદાએ જ્યાં અડિંગો જમાવી દીધો હોય ત્યાં કેરોસીનનો સ્પ્રે કરો. સૌથી મોટો ઉપાય છે.

4. બેકિંગ સોડાનો ઉપયોગ:

વંદાને ભગાવવા માટે તમે બેકિંગ સોડામાં થોડી ખાંડ મિક્સ કરીને ત્યાં રાખી દો જ્યાંથી વંદા આવતા હોય. તમે બેકિંગ સોડા અને ખાંડને મિક્સ કરીને સ્પ્રે પણ કરી શકો છો. આવું કરવાથી બધા વંદા સરળતાથી ભાગી જશે.

5. તજ પત્તાનો શ્રેષ્ઠ ઉપાય:

તજ પત્તાને નાના-નાના ભાગમાં તોડીને ઘરના અલગ-અલગ ખૂણામાં રાખી દો. તજ પત્તાની ગંધથી પણ વંદા ભાગી જાય છે. તજ પત્તા સિવાય ફુદીનાના પત્તાને પણ ઘરમાં રાખીને વંદાથી છૂટકારો મેળવી શકો છો. તમે ઈચ્છો છો બંને પત્તાને મિક્સ પણ કરી શકો છો.

6. તિરાડને ભરી દો:

ઘરમાં રહેલી તિરાડ કીડી, મંકોડા, વંદાનું ઘર હોય છે. એવામાં તમારે ભોંયતળિયું અને કિચન સિંકમાં રહેલી તિરાડોને વ્હાઈટ સિમેન્ટની મદદથી ભરી દેવી જોઈએ. કેમ કે તિરાડમાં વંદા છૂપાઈને રહે છે અને ઈંડા આપે છે. તિરાડ બંધ થઈ જતાં વંદાને જગ્યા મળતી નથી. અને તે જાતે ઓછા થઈ જાય છે.

(6:27 pm IST)