Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

બાળકે મોદીના માતાના નિધન પર શોક કરતો ભાવુક પત્ર લખ્યો

બેંગલુરુના ધો.૨ના વિદ્યાર્થીએ વડાપ્રધાનને પત્ર લખ્યો : બાળકે પત્રમાં લખ્યું, મને ટીવી પર એ જોઈને ખૂબ દુઃખ થયુ કે તમારાં વ્હાલા માતા હીરા બેનનું નિધન થઈ ગયું

નવી દિલ્હી, તા.૨૦ : બેંગલુરુના ધોરણ ૨ ના એક વિદ્યાર્થીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો, જેમાં તેણે પીએમ મોદીની માતા હીરાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો હવે પીએમ મોદીએ નાના બાળકના પત્રનો જવાબ આપ્યો છે અને દિલને સ્પર્શી લે તેવો જવાબ વાયરલ થઈ રહ્યો છે. આરુષ શ્રીવત્સે વડાપ્રધાન મોદીને લખેલા પોતાના પત્રમાં તેમને વિનંતી કરી કે તેઓ તેમની માતાના મૃત્યુ પર તેની ગાઢ સંવદેનાનો સ્વીકાર કરે. તેણે જણાવ્યુ કે આ સમાચાર સાંભળીને તેને કેવુ લાગ્યુ.

બીજા ધોરણમાં ભણતા નાના બાળકે પોતાના પત્રમાં લખ્યુ, મને ટીવી પર એ જોઈને ખૂબ દુઃખ થયુ કે તમારી વ્હાલી માતા હીરા બેન, જેમની ઉંમર ૧૦૦ વર્ષ હતી તેમનું નિધન થઈ ગયુ. કૃપા કરીને મારી હાર્દિક સંવેદનાનો સ્વીકાર કરો. હુ તેમની આત્મા માટે સર્વશક્તિમાન ઈશ્વરના ચરણોમાં સ્થાન મળવાની પ્રાર્થના કરુ છુ. ઓમ શાંતિ''. પીએમ મોદીએ આરુષ શ્રીવત્સનો તેની કરુણા માટે આભાર માન્યો અને કહ્યુ કે આ પ્રકારના દયાળુ કાર્ય તેમને પોતાની માતાથી દૂર થવાના દુઃખ સામે શક્તિ આપે છે.

પત્રનો જવાબ આપતા પીએમ મોદીએ લખ્યુ, મારી માતાના નિધન પર તમારી સંવેદના માટે આભાર. માતાનું નિધન થવુ એક અપૂરણીય ક્ષતિ હોય છે અને તેનું દુઃખ શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં. મને તમારા વિચારો અને પ્રાર્થનાઓમાં સામેલ કરવા માટે હુ તમારો આભાર માનુ છુ. તમારી આ પ્રાર્થના મને આ દુઃખને સહન કરવાની શક્તિ અને સાહસ આપે છે.

બંને પત્રોને ભાજપના નેતા ખુશ્બુ સુંદરે સોશિયલ મીડિયા પર શેર કર્યા. તસવીર સાથે કરવામાં આવેલા ટ્વીટમાં લખ્યુ, આ એક સાચા સ્ટેટસમેનની ખૂબી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ધોરણ ૨ ના વિદ્યાર્થીના શોક પત્રનો જવાબ આપે છે. આ જીવન બદલનારો સંકેત છે જે આ યુવાનના જીવનને સાચી દિશામાં લઈ જશે.

 

 

 

(7:32 pm IST)