Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

હનુમાન ચાલીસા કરતી વખતે જાણતા-અજાણતા આ ભુલ ન કરવી જોઇએઃ હંમેશા જમીન ઉપર આસન પાથરવુ જોઇએ

હંમેશા શુદ્ધ મન, આચરણ સાથે હનુમાનજીના પાઠ કરવા જોઇએ

નવી દિલ્‍હીઃ ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીને બજરંગ બલી, સંકટમોચન સહિતના નામથી બોલાવવામાં આવે છે. કોઈપણ નામે તેમની આરાધના કરો પણ તેમની પૂજાનું ફળ અચૂક મળે છે. હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનના કષ્ટ દૂર થઈ જાય છે અને જીવનમાં સુખ શાંતિ વધે છે. બજરંગ બલીને પ્રસન્ન કરવા હોય તો નિયમિત તેમની પૂજા કરવી જોઈએ. બજરંગ બલીની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ રસ્તો છે હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

હનુમાન ચાલીસા કરવાના નિયમ

ધાર્મિક માન્યતા અનુસાર જે પણ વ્યક્તિ વિધિ વિધાનથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેના પર બજરંગ બલીની કૃપા હંમેશા રહે છે. જોકે હનુમાન ચાલીસા કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. ઘણા લોકો અજાણતા કેટલીક ભૂલ કરી બેસે છે જેના કારણે તેમને અશુભ ફળ પણ ભોગવવું પડે છે. જો તમને હનુમાન ચાલીસા કરવાના નિયમ વિશે ખબર ન હોય તો ચાલો તમને જણાવીએ.

- હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો તે પહેલા ગણેશ વંદના કરવી જોઈએ. ત્યાર પછી ભગવાન શ્રીરામ અને માતા સીતાને પ્રણામ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

- હનુમાન ચાલીસાનો પાઠ હંમેશા જમીન પર આસન પાથરી તેના પર બેસીને કરવો જોઈએ.

- હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે પવિત્રતાનું ધ્યાન રાખવું. હંમેશા શુદ્ધ મન અને આચરણ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. પાઠ કરતી વખતે મનમાં ખરાબ વિચાર કરવા નહીં.

- શાસ્ત્રો અનુસાર હનુમાન ચાલીસાનો પાઠ 100 વખત કરવો જોઈએ. હનુમાન ચાલીસામાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે જે વ્યક્તિ સો વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તે બધા જ બંધનથી મુક્ત થઈ આનંદ પ્રાપ્ત કરે છે.

- હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી હનુમાનજીને ભોગ જરૂરથી ધરાવવો.

હનુમાન ચાલીસા કરવાના ફાયદા

- ધાર્મિક માન્યતા અનુસાર હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે.

- મોક્ષ પ્રાપ્તિ માટે હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત રીતે કરવાનું કહેવામાં આવ્યું છે.

- જે વ્યક્તિ રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તે વ્યક્તિમાં આધ્યાત્મિક બળ, આત્મિક બળ અને મનોબળ મજબૂત રહે છે.

- હનુમાન ચાલીસાનો પાઠ કરનાર વ્યક્તિને ખરાબ નજર અને નકારાત્મકતા નડતા નથી.

(5:11 pm IST)